આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાળ ઠાકરે પુણ્યતિથિ: પીએમ, ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદેએ આપી શ્રદ્ધાંજલિ

શિવાજી પાર્ક ખાતે બહેન પ્રિયંકા સાથે રાહુલ ગાંધી પહોંચ્યા, વીડિયો વાઈરલ

મુંબઈ: શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેની આજે 12મી પુણ્યતિથિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને મહારાષ્ટ્રના માજી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત કેટલાક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

રાહુલ ગાંધી દાદર સ્થિત શિવાજી પાર્ક બહેન સાથે પહોંચ્યા હતા. બારમી પુણ્યતિથિ રાહુલ ગાંધી બહેન પ્રિયંકા સાથે પહોંચ્યા ત્યારે પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દિવંગત બાળ ઠાકરેને નમન કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જ્યારે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

https://twitter.com/i/status/1858045615034314950

પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ‘હું મહાન બાળાસાહેબ ઠાકરેજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે મહારાષ્ટ્રના વિકાસ અને મરાઠી લોકોના સશક્તિકરણના હેતુને પ્રાધાન્ય આપ્યું હતું. તેઓ ભારતીય સંસ્કૃતિ અને નૈતિકતાનું ગૌરવ વધારવામાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા. તેમનો બુલંદ અવાજ અને અડગ ભાવના પછીની પેઢીને સતત પ્રેરિત કરી રહી છે.’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ પર’ એક સંદેશમાં જણાવ્યું હતું કે ’12મી પુણ્યતિથિએ બાળાસાહેબ ઠાકરેજીનું સ્મરણ થાય છે. મારી સંવેદનાઓ ઉદ્ધવ ઠાકરેજી, આદિત્ય ઠાકરે અને સમગ્ર શિવસેના પરિવાર સાથે છે.’

આપણ વાંચો: Assembly Election: ‘બાળ ઠાકરે’ની ‘પુણ્યતિથિ’એ બંને શિવસેનામાં ‘પોસ્ટર વોર’ શરૂ…

અસંખ્ય અનુયાયીઓ ધરાવતા રાજ્યના સૌથી પ્રભાવશાળી રાજકારણીઓમાંના એક એવા બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપનારા અન્ય લોકોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવાર, મુંબઈ કોંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડ અને શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેનો સમાવેશ થાય છે.

પવારે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘મરાઠી લોકો સાથે થતા અન્યાય સામે લડનારા શિવસેના પક્ષના સ્થાપક, વ્યંગ્યકાર અને રાજકારણી દિવંગત બાળાસાહેબ ઠાકરેને સલામ.’ વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે ‘બાળાસાહેબ ઠાકરેએ મરાઠી માનસ પર શાસન કર્યું હતું અને જીવનભર મરાઠી લોકોના ન્યાય, અધિકારો માટે લડ્યા હતા.’

ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેને તેમના સ્મૃતિ દિન પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.’ આ પહેલા શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને તેમની પત્ની રશ્મિ ઠાકરેએ મુંબઈના શિવાજી પાર્ક સ્થિત દિવંગત બાળાસાહેબના સ્મારકની મુલાકાત લઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શિવસેનાના સ્થાપકનું લાંબી માંદગી બાદ 17 નવેમ્બર, 2012ના રોજ મુંબઈમાં તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે નિધન થયું હતું.
(પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button