આમચી મુંબઈ

‘ઓપરેશન સિંદૂર માટે બાળ ઠાકરેએ વડા પ્રધાન મોદીને ગળે લગાવ્યા હોત’: અમિત શાહ

નાંદેડ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે આતંકવાદ પર ભારતનો અભિપ્રાય રજૂ કરવા માટે વિદેશમાં મોકલવામાં આવેલા સર્વપક્ષી પ્રતિનિધિમંડળો પર શિવસેના (યુબીટી)ની ‘બારાત’ ટિપ્પણી પર પ્રહાર કરતા કહ્યું હતું કે જો બાળ ઠાકરે જીવતા હોત, તો તેઓએ ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ગળે લગાવ્યા હોત.’

અમિત શાહ શિવસેના (યુબીટી)ના નેતાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેના વડા બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે છે, તેમણે આતંકવાદ વિરોધી અભિયાન માટે વિદેશમાં જતા સર્વપક્ષી પ્રતિનિધિમંડળો પર કટાક્ષ કર્યો હતો.

‘શિવસેના (યુબીટી)ના એક ટોચના નેતાએ પ્રતિનિધિમંડળ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘યે કિસકી બારાત જા રહી હૈ?’ શિવસેના (યુબીટી) પહેલા બાળ ઠાકરેનો પક્ષ હતો. જો બાળ ઠાકરે જીવતા હોત, તો તેમણે મોદીને ગળે લગાવ્યા હોત. મને ખબર નથી કે ઉદ્ધવ સેનાનું શું થયું છે. તેઓ પ્રતિનિધિમંડળને ‘બારાત’ કહી રહ્યા છે, ભલે તેમના પોતાના સભ્યો તેનો ભાગ છે,’ એમ શાહે કહ્યું હતું.

મહારાષ્ટ્રના નાંદેડમાં ‘શંખનાદ’ રેલીમાં બોલતા, શાહે એનસીપી(એસપી)ના વડા શરદ પવાર પર પણ કટાક્ષ કર્યો અને તેમના પર મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો અપાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માગણી પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો હતો અને ઉમેર્યું હતું કે પીએમ મોદીએ આ માગણી પૂરી કરી હતી.

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂરની સફળતાએ એક શક્તિશાળી સંદેશ આપ્યો છે, ફક્ત પાકિસ્તાનને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્ર્વને, કે ભારત તેના સશસ્ત્ર દળો, નાગરિકો અથવા સરહદો પર કોઈપણ સંકટને સહન કરશે નહીં.
‘ઓપરેશન સિંદૂરથી ફક્ત પાકિસ્તાન જ નહીં પણ દુનિયાને સંદેશો મળ્યો છે કે કોઈ પણ આપણા સશસ્ત્ર દળો, લોકો અને સરહદો સાથે છેડછાડ કરી શકશે નહીં. નહીંતર, ગુનેગારોને આકરાં પરિણામ ભોગવવા પડશે,’ એમ શાહે વધુમાં જણાવ્યું હતું.

તેમણે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું. પટનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અગાઉની ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં શાહે કહ્યું હતું કે, ‘…તેઓએ ઉરી પર હુમલો કર્યો, અમે સર્જિકલ સ્ટ્રાઈકથી બદલો લીધો. તેમણે પુલવામા પર હુમલો કર્યો, અમે હવાઈ હુમલોથી બદલો લીધો અને પછી તેઓએ પહલગામમાં હુમલો કર્યો, અમે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો અને તેમના આતંકવાદી સ્થળોનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂરથી આખી દુનિયાને સંદેશો મળ્યો છે કે કોઈએ ભારતીય સેના, તેના લોકો અને તેની સરહદને માટે સંકટ ઊભું ન કરવું જોઈએ, નહીં તો તેમને આકરાં પરિણામોનો સામનો કરવો પડશે. વડા પ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ આપણા પર હુમલો કરશે, તો ‘ગોળી’નો જવાબ ‘ગોળા’થી આપવામાં આવશે.’

‘મોદીજીએ જાહેર કર્યું છે કે જો નિર્દોષ ભારતીય નાગરિકોનું લોહી વહેવડાવવામાં આવશે તો તેનો બદલો લેવામાં આવશે. જો આપણી મહિલાઓના સિંદૂરને નુકસાન થશે, તો પ્રતિક્રિયા વધુ લોહિયાળ હશે,’ એમ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા પર સરકારના અડગ વલણ પર ભાર મૂકતા કહ્યું હતું.

તેમણે ડાબેરી ઉગ્રવાદનો અંત લાવવાના સરકારના દૃઢ નિર્ધારનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. ‘ઓપરેશન સિંદૂરની સાથે, વધુ એક ઓપરેશન, ઓપરેશન બ્લેક ફોરેસ્ટ ચાલી રહ્યું છે. છત્તીસગઢમાં આ ઓપરેશન હેઠળ, આપણી સીઆરપીએફ, છત્તીસગઢ પોલીસ અને બીએસએફે 5000 ફૂટની ઊંચાઈએ આવેલા નક્સલીઓના કેન્દ્રોનો નાશ કર્યો હતો અને 31 નક્સલીઓ માર્યા ગયા. અત્યાર સુધીમાં 36 વધુ નક્સલીઓ માર્યા ગયા છે. ઘણાએ આત્મસમર્પણ કર્યું છે અને કેટલાકની ધરપકડ કરવામાં આવી છે. અમે 31 માર્ચ, 2026 સુધીમાં આ દેશમાં નક્સલવાદનો અંત લાવીશું,’ એમ તેમણે કહ્યું હતું.
શાહે વધુમાં કહ્યું કે વડા પ્રધાન મોદીએ જવાહરલાલ નેહરુના કાર્યકાળ દરમિયાન થયેલી સિંધુ જળ સંધિ રદ કરી હતી અને પાકિસ્તાન સાથેનો તમામ વેપાર બંધ કરી દીધો હતો. ‘મોદીએ કહ્યું છે કે વેપાર અને આતંક સાથે ચાલી શકતા નથી,’ એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો…વડોદરામાં પીએમ મોદીના રોડ શો માં પહોંચ્યો કર્નલ સોફિયાનો પરિવાર, કહ્યું ઓપરેશન સિંદૂરથી ખુશ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button