ઢાળ પર ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટ્રકે અનેક વાહનોને મારી ટક્કર: મહિલાનું મોત | મુંબઈ સમાચાર

ઢાળ પર ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટ્રકે અનેક વાહનોને મારી ટક્કર: મહિલાનું મોત

થાણે: થાણે જિલ્લાના બદલાપુરમાં ઢાળ પરથી ઊતરતી વખતે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં પૂરપાટ વેગે આવી રહેલી ટ્રકે અનેક વાહનોને ટક્કર મારી હતી, જેમાં મહિલાનું મૃત્યુ થયું હતું.

બદલાપુર પશ્ચિમમાં વાલિવલી વિસ્તારમાં બારવી ડેમ રોડ પર ઉલ્હાસ નદીના બ્રિજ નજીક શનિવારે સવારે સાત વાગ્યે આ અકસ્માત થયો હતો, જેમાં ત્રણ જણને ગંભીર ઇજા થઇ હતી.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ટ્રક પૂરપાટ વેગે મુરબાડ તરફ જતી હતી ત્યારે ઢાળ પરથી ઊતરતી વખતે ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો: ઝારખંડમાં ભીષણ અકસ્માત: કાવડ યાત્રીઓની બસ ટ્રક સાથે અથડાઈ, 18ના મોત…

ટ્રક પ્રથમ રિક્ષા સાથે ટકરાઇ હતી, જેમાં ત્રણ પ્રવાસી હાજર હતા. બાદમાં તે ટૂ-વ્હીલર, રાહદારી તથા હાઉસિંગ કોમ્પ્લેક્સ બહાર પાર્ક કરાયેલી કાર સાથે ભટકાઇ હતી.

સાક્ષીદારે કહ્યું હતું કે ટ્રક ડ્રાઇવરને ઇજા પહોંચી હતી અને અકસ્માત અગાઉ તે ટ્રકમાંથી બહાર કૂદી પડ્યો હતો.
ટ્રકના ટાયર નીચે રિક્ષા કચડાઇ ગઇ હતી અને રિક્ષામાં હાજર ત્રણ પ્રવાસીને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં મોટરસાઇકલસવાર અને રાહદારી પણ ઘાયલ થયા હતા. અકસ્માતમાં ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે મૃત્યુ પામેલી મહિલાની ઓળખ થઇ નહોતી.

આ પણ વાંચો: નોઇડામાં નબીરાએ જીવલેણ અકસ્માત સર્જ્યો: BMW કારથી સ્કૂટરને ટક્કર મારી, 5 વર્ષની બાળકીનું મોત

ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં વાહનો સાથે અથડાયા પહેલા ટ્રક ઢાળ પરથી ઊતરતી નજરે પડી હતી.

હાઉસિંગ કોમ્પ્લેક્સ બહાર પાર્ક કરાયેલી કારમાં શખસ ફસાઇ ગયો હતો અને ક્રેનની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ટ્રક અને અન્ય વાહનોને માર્ગ પરથી હટાવવાની કામગીરી બપોર સુધી ચાલી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે જણને સારવાર માટે ડોંબિવલી વિસ્તારમાં આવેલી એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button