આમચી મુંબઈટોપ ન્યૂઝ

Badlapur Case: માનવ અધિકાર પંચે રાજ્યના ઉચ્ચ અધિકારીઓને નોટિસ પાઠવી; આ બાબતે રીપોર્ટ માંગ્યો

બદલાપુર: છેલ્લા કેટલાક દિવસોથી પ્રકાશમાં આવેલી ઘટનાઓથી દેશમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. એવામાં બદલાપુરમાં બનેલી બે બાળકીઓ સાથે છેડતીની ઘટના(Badlapur sexual harassment case) એ સૌને આઘાતમાં નાખી દીધા છે. આ મામલે બદલપુર ઉપરાંત થાણેના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે પ્રદર્શનો થયા હતા. હવે મામલે નેશનલ હ્યુમન રાઈટ કમિશને (NHRC) સ્વતઃ સંજ્ઞાન લીધું છે. કમિશને સંબંધિત અધિકારીઓ પાસેથી બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

કમિશને નિર્દેશ આપ્યો છે કે એફઆઈઆર દાખલ કરવામાં વિલંબ પાછળનું કારણ, હાલ કેસની સ્થિતિ અને પીડિત બાળકીઓના સ્વાસ્થ્યની વિગતનો અહેવાલમાં સમાવેશ કરવામાં આવે.

કમિશને મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી (CS) અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ને નોટિસ પાઠવી છે. જેમાં કમિશને જણાવ્યું હતું કે તેણે 18 ઓગસ્ટના રોજ પ્રકાશિત એક મીડિયા અહેવાલની અમે નોંધ લીધી છે, જેમાં એક શાળાના કર્મચારીએ કથિત રીતે બે વિદ્યાર્થિનીનું જાતીય શોષણ કર્યું હોવાની માહિતી આપવામાં આવી હતી.

શાળામાં શૌચાલય સાફ કરવા માટે મહિલા કર્મચારીની નિમણૂક કેમ કરવામાં ન આવી, તેવા પ્રશ્નો વાલીઓએ ઉઠાવ્યા હતા. ફરિયાદના લગભગ 12 કલાક પછી આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. કમિશને કહ્યું, ‘જો મીડિયા રિપોર્ટની માહિતી સાચી છે, તોઆ માનવાધિકારનું ઉલ્લંઘન છે અને વિગતવાર રિપોર્ટ આપવો જોઈએ’.

કમિશને વધુમાં કહ્યું કે, ‘અમે એ પણ જાણવા માંગીએ છે કે પ્રસાશન અથવા શાળા મેનેજમેન્ટ દ્વારા પીડિતોનું કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે કે કેમ. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે શું પગલાં લેવામાં આવ્યા છે અને કેવા પગલા પ્રસ્તાવિત છે. બે અઠવાડિયામાં જવાબ અપેક્ષિત છે.’

SITની રચના, ઉજ્જવલ નિકમ લડશે કેસ. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે ન્યાયની ખાતરી આપતા કહ્યું હતું કે આ કેસની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવામાં આવશે. દરમિયાન, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ(IGP) આરતી સિંહના નેતૃત્વ હેઠળ સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના અને કેસમાં સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમની નિમણૂકની જાહેરાત કરી હતી. ]

શું છે મામલો ?
બદલાપુરની એક જાણીતી શાળામાં અક્ષય શિંદે નામનો શખ્સ શાળાના શૌચાલય સાફ કરવાનું કામ કરતો હતો. આરોપ છે કે તેણે શાળાની બે વિદ્યાર્થીનીઓનું યૌન શોષણ કર્યું હતું. અહેવાલો અનુસાર, પીડિતોમાંથી એક ચાર વર્ષની અને બીજી છ વર્ષની બાળકી છે. આ ઘટના 12 અને 13 ઓગસ્ટના રોજ બની હતી. આરોપી અક્ષય શિંદેને 1 ઓગસ્ટ, 2024એ શાળામાં શૌચાલય સાફ કરવા કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવ્યો હતો. શાળાએ છોકરીઓના શૌચાલયની સફાઈ માટે કોઈ મહિલા કર્મચારીઓની નિમણૂક કરી ન હતી, આ અંગે સવાલો ઉભા થયા છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button