બદલાપુર યૌન શોષણ કેસ: આરોપીની હત્યાની તપાસમાં ઢીલ બદલ હાઇકોર્ટે સીઆઇડીને ઠપકારી
મુંબઈ: બદલાપુર સ્કૂલ યૌન શોષણ કેસના આરોપીની શૂટઆઉટમાં ઠાર કરવાના કેસમાં ઢીલ મૂકવા બદલ બોમ્બે હાઈકોર્ટે સોમવારે રાજ્યના ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ની આકરી ઝાટકણી કાઢી હતી.
તમામ કેસોમાં નિષ્પક્ષ તપાસની જરૂરિયાત પર ભાર મૂકતા ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ ચવ્હાણની ખંડપીઠે જણાવ્યું હતું કે હાલના કેસમાં સીઆઇડીની વર્તણૂક શૂટઆઉટની તપાસ હાથ ધરતા મેજિસ્ટ્રેટને તમામ માહિતી પૂરી પાડવા માંગતી નથી એવી શંકા અને ખોટું અનુમાન પેદા કરે છે.
આ પણ વાંચો: બદલાપુર યૌન શોષણ કેસ: સ્કૂલ પ્રશાસન સામે POCSO હેઠળ કેસ નોંધવા હાઇ કોર્ટનો આદેશ
આરોપી અક્ષય શિંદે (24)ની મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુર વિસ્તારની એક શાળામાં બે સગીર છોકરી પર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપમાં ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. 24 સપ્ટેમ્બરે પોલીસે કરેલા ગોળીબારમાં તેને ઠાર કરવામાં આવ્યો હતો.
ઉચ્ચ ન્યાયાલયે કટાક્ષયુક્ત ટિપ્પણી કરી હતી કે સીઆઈડી વધુ સક્ષમ હોવાથી કેસ સ્થાનિક પોલીસ પાસેથી સીઆઈડીને સોંપવામાં આવે છે. આરોપીના મૃત્યુની તપાસ હાથ ધરી રહેલા મેજિસ્ટ્રેટને સુપરત કરવામાં આવેલી તપાસમાં કેટલીક છટકબારીઓ અને દસ્તાવેજોની નોંધ લીધા બાદ હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: બદલાપુર રેપ કેસઃ આરોપીનું એન્કાઉન્ટર કરનારા ઈન્સ્પેક્ટરે કરી વાત, જાણો શું બન્યું હતું?
અક્ષય શિંદેના પિતા અન્ના શિંદેએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે તેમના પુત્રની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવી છે. (પીટીઆઈ)