બદલાપુર યૌન શોષણ કેસઃ મદદ કરવાને બદલે આરોપીના માતા – પિતાને સજા, કેમ?
મુંબઈ: બદલાપુર યૌન શોષણ કેસમાં મૃતક આરોપીના માતા-પિતાને કોઈ સંજોગોમાં સજા ન થવી જોઈએ એમ ગુરુવારે જણાવી બોમ્બે હાઈ કોર્ટે ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે તેમના આશ્રય અને રોજગાર માટે વ્યવસ્થા કરવી જોઈએ.
ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ ચવ્હાણની ખંડપીઠે આ કેસના આરોપીના માતા-પિતા સાથે ટૂંકમાં વાત કરી હતી. સપ્ટેમ્બરમાં પોલીસ સાથેના કથિત ગોળીબારમાં આરોપી માર્યો ગયો હતો.
થાણે જિલ્લાના બદલાપુર ખાતેની એક શાળાના શૌચાલયની અંદર બે બાળકી પર યૌન શોષણના મામલે આરોપીની ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. શાળામાં આરોપી એટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો.
આ પણ વાંચો: બદલાપુર કેસ મુદ્દે રાજ્ય સરકારે હવે હાઈ કોર્ટમાં શું કહ્યું, જાણો નવી અપડેટ?
માતા-પિતાએ અદાલતને જણાવ્યું હતું કે જ્યારથી તેમના પુત્રની ધરપકડ થઈ છે ત્યારથી તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમની સાથે અન્યાય થાય છે અને બદલાપુર ખાતેના પોતાના ઘરમાં રહેવું તેમને ભારે પડી રહ્યું છે. અદાલતને તેમણે જણાવ્યું હતું કે ‘અમને અમારા ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. અમે કલ્યાણ રેલવે સ્ટેશન પર રહીએ છીએ. અમને કોઈ નોકરી નથી આપતું અને અમારી પાસે પૈસા પણ નથી.’
ત્યાર બાદ ખંડપીઠે સરકારી વકીલ હિતેન વેનેગાંવકરને રાજ્ય સરકાર દ્વારા અથવા કોઈ એનજીઓ દ્વારા માતા-પિતાને કોઈ મદદ કરી શકાય છે કે કેમ તે જોવા જણાવ્યું હતું. ખંડપીઠે જણાવ્યું હતું કે ‘તેઓ (માતા પિતા) આરોપી નથી. તેમનો કોઈ વાંક નથી. તેમણે શા માટે સહન કરવું જોઈએ? તેમના પુત્ર પર જે કરવાનો આરોપ છે તેના માટે તેમને શું કામ સજા થવી જોઈએ?’ અદાલતે આ મામલાની વધુ સુનાવણી 13 જાન્યુઆરી, 2025 ના રોજ મુલતવી રાખી હતી.
(પીટીઆઈ)