Badlapur Horror: RSSની શાળા છે, એટલે CCTV ફૂટેજ રફેદફે કરાઇ: કોંગ્રેસનો આરોપ
મુંબઈ: બદલાપુરની શાળામાં સાડા ત્રણ અને ચાર વર્ષની બાળકીઓ પર જાતીય અત્યાચાર આચરવામાં આવ્યાની ઘટનાને પહેલા જ દિવસથી રાજકીય રંગ લાગી ગયો છે અને દિવસેને દિવસે આ મુદ્દે રાજકારણની રમત વધતી જાય છે. આ મામલે હવે કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ હવે પોલીસ પર ગંભીર આરોપ મૂક્યો છે અને પોલીસે પુરાવાનો નાશ કર્યો હોવાનું કહ્યું છે.
નાના પટોલેએ આરોપ મૂકતા જણાવ્યું હતું કે જે શાળામાં આ ઘટના બની તે શાળા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) સાથે સંબંધિત હોવાના કારણે અહીં લગાવાયેલા સીસીટીવી(ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કેમેરાની વીડિયો ફૂટેજ ગાયબ કરવામાં આવી છે.
તેમણે પોલીસ પર આરોપ મૂક્યો હતો કે પોલીસ કાર્યવાહી કરતી નહોતી, આરોપીની ધરપકડ કરતી નહોતી એટલે જનતામાં આક્રોશ નિર્માણ થયો અને આંદોલન શરૂ થયું હતું. તેમાં કોઇપણ પ્રકારનું રાજકારણ થયું નથી. સરકાર આ વિષય પર રાજકારણ કરી રહી છે.
આ પણ વાંચો : બદલાપુર પ્રકરણને લઈ ગૃહ મંત્રાલય એક્શનમાં, પોલીસ અધિકારીઓ માટે લેવાયો આ નિર્ણય
ગુજરાતનું નામ અહીં પણ ઘૂસેડાયું
લોકસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને નિશાન પર લેવા માટે ઉદ્ધવ ઠાકરે, તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ દ્વારા ગુજરાતીઓને અને ગુજરાત રાજ્યને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા. બદલાપુરની ઘટનાને ગુજરાત સાથે કંઇ સંબંધ ન હોવા છતાં આ મુદ્દે પણ ગુજરાતનું નામ સંડોવવામાં નેતાઓ પાછળ રહ્યા નથી. નાના પટોલેએ આ મુદ્દે કહ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાત જેવું બનાવવાનો પ્રયાસ સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. શાળાનો સંબંધ ભાજપ અને આરએસએસથી હોવાથી પોલીસ પર દબાણ લવાઇ રહ્યું છે.