Badlapur Encounter: ક્રેડિટ માટે શિંદે અને ફડણવીસના લાગ્યા ‘પોસ્ટર’, પવાર ‘ગાયબ’

મુંબઈઃ બદલાપુરમાં બે બાળકીના દુષ્કર્મી અક્ષય શિંદેના એન્કાઉન્ટર બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. બે બાળકીઓ પર અત્યાચાર ગુજારનાર આરોપી અક્ષય શિંદેના પોલીસ એન્કાઉન્ટર પર ભારે રાજનીતિ ચાલી રહી છે. હવે આ એન્કાઉન્ટરનો શ્રેય લેવાની હોડ મચી છે.
મહાયુતિ (એકનાથ શિંદે સેના, ભારતીય જનતા પાર્ટી અને એનસીપી)માં ખાસ કરીને એકનાથ શિંદે અને ફડણવીસના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા હતા. આ મુદ્દે વિરોધપક્ષે સરકારની ઝાટકણી કાઢ્યા પછી પણ પોસ્ટર લગાવવાની સાથે અમુક અખબારોમાં જાહેરાતોનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને કોઈ ધર્મવીર ગણાવ્યા હતા, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પોસ્ટરમાં બદલો લીધો હોવાનું જણાવાયું હતું.
આપણ વાંચો: બદલાપુર જાતીય શોષણ કેસના આરોપી અક્ષયના એન્કાઉન્ટર પર રાઉતે સવાલ ઉઠાવ્યા
બીજી તરફ મરાઠી અખબારોમાં સીએમ એકનાથ શિંદેને ‘ધર્મવીર’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ જાહેરાતોમાં માત્ર એકનાથ શિંદે જ દેખાય છે. તેના પર દેવેન્દ્ર ફડણવીસ કે અજિત પવારની કોઈ તસવીર નથી.
પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે અમારી દીકરીઓને ન્યાય આપે અમને એવા ધર્મવીરની જરૂર છે. હવે એવું લાગે છે કે ‘શિવશાહી’ પાછી આવી છે (શિવાજી મહારાજના સામ્રાજ્યને શિવશાહી કહેવાતું હતું). આ જાહેરાતમાં એકનાથ શિંદેની તસવીર છે પરંતુ ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તસવીર નથી.
મુંબઈમાં ઠેકઠેકાણે ફડણવીસના પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં લખ્યું છે કે ‘બદલો પૂરો’ થયો. આ પોસ્ટરમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ બંદૂક સાથે જોવા મળે છે. મુંબઈમાં બીજા પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં ફડણવીસની પ્રશંસા કરવામાં આવી છે અને એમવીએ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જો કે, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે કોઈ પોસ્ટરમાં દેખાતા નથી.