સાત વર્ષની બાળકી છ લાખ રૂપિયામાં વેચવાનો પ્રયાસ: પાંચની ધરપકડ…

થાણે: બદલાપુરમાં સાત વર્ષની બાળકી છ લાખ રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરનારી ટોળકી પર કાર્યવાહી કરી પોલીસે પાંચ જણની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ મળેલી માહિતીને આધારે એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના અધિકારીઓએ બુધવારની રાતે બદલાપુર પશ્ર્ચિમમાં એક હોટેલ નજીક છટકું ગોઠવ્યું હતું. હોટેલ નજીક પહોંચેલી ટોળકી બાળકી વેચવા આવી હોવાની ખાતરી કરવા પોલીસે બોગસ ખરીદદાર તેમની પાસે મોકલાવ્યો હતો.
ટોકન મની તરીકે ટોળકીને 20 હજાર રૂપિયા યુપીઆઈ મારફત ચૂકવવામાં આવ્યા હતા. બાકીના 5.80 લાખ રૂપિયા રોકડમાં ભરવાનું કહેવામાં આવ્યું હતું. ટોળકી બાળકી વેચવા તૈયાર હોવાની ખાતરી થતાં બોગસ ખરીદદારે પોલીસને ઇશારો કર્યો હતો, જેને પગલે પોલીસે પાંચેય આરોપીને તાબામાં લીધા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ શંકર સંભાજી મનોહર (36), રેશમા શાહબુદ્દીન શેખ (35), ઈગતપુરીના એજન્ટો નીતિન સંભાજી મનોહર (33) અને શેખર ગણેશ જાધવ (35) સહિત મુંબઈના માનખુર્દ વિસ્તારમાં રહેતા એજન્ટ આસિફ ચાંદ ખાન (27) તરીકે થઈ હતી. આરોપી રેશમાએ બાળકીની વ્યવસ્થા કરી હતી, જ્યારે શંકરે રૂપિયા સ્વીકાર્યા હતા.
આ કેસમાં છઠ્ઠી આરોપી સબિના ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે.બદલાપુર (વેસ્ટ) પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે પકડાયેલી ટોળકી છ લાખ રૂપિયામાં બાળકીને વેચવાની હતી. પકડાયેલી ટોળકી બાળકોનું અપહરણ કરીને નિ:સંતાન દંપતીને વેચવાના સ્કૅમનો એક ભાગ હોવાની શક્યતા જણાય છે. પોલીસ બાળકીની માતાને શોધવાનો પ્રયાસ કરી રહી છે. બાળકીને હાલમાં ચાઈલ્ડ કૅર સેન્ટરમાં રાખવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)



