વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરનારા શિક્ષકની ધરપકડ
![Nine Bangladeshis, including seven women, arrested in Nalasopara](/wp-content/uploads/2025/01/Nine-Bangladeshis-including-seven-women-arrested-in-Nalasopar.webp)
થાણે: બદલાપુરની ઈંગ્લિશ મિડિયમની ખાનગી શાળામાં 14 વર્ષની વિદ્યાર્થિનીની કથિત જાતીય સતામણી કરવા બદલ પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ નવીન રામચંદ્ર નાયર (42) તરીકે થઈ હતી. બદલાપુરની શાળાનો શિક્ષક નાયર ગયા વર્ષના ઑક્ટોબરથી વિદ્યાર્થિનીની કથિત સતામણી કરતો હતો.
વિદ્યાર્થિની પરીક્ષા આપતી હતી ત્યારે, ડાન્સ ક્લાસમાં અને એક કાર્યક્રમ દરમિયાન ગણવેશનું વિતરણ કરતી હતી ત્યારે નાયરે તેને અયોગ્ય સ્પર્શ કર્યા હતા. એ સિવાય વિદ્યાર્થિની માટે તે અશ્ર્લીલ ટિપ્પણી પણ કરતો હતો, એવું એફઆઈઆરમાં જણાવાયું હતું.
સગીર વિદ્યાર્થિનીએ અગાઉ નાયરના ચેનચાળા સામે આંખ આડા કાન કર્યા હતા, પરંતુ નાયર વારંવાર આવું કરવા માંડતાં તેણે માતાને હકીકત જણાવી હતી. શિક્ષકની હરકતો વિશે પુત્રી પાસેથી જાણ્યા પછી માતાએ ગુરુવારે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે નાયરની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : બદલાપુર યૌન શોષણઃ આરોપીના માતા-પિતા હવે દીકરાનો કેસ લડવા માગતા નથી, જાણો કેમ?
શિક્ષક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની જાતીય સતામણી સહિત અન્ય આરોપો સંબંધી કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ તેમ જ એટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જિલ્લાના ચાઈલ્ડ વેલ્ફેર અધિકારી રામકૃષ્ણ રેડ્ડીએ જણાવ્યું હતું કે શિક્ષક વિરુદ્ધ ઝડપી કાર્યવાહીની સત્તાવાળાઓએ ખાતરી આપી હતી. (પીટીઆઈ)