કલ્યાણ-ડોંબિવલીના રહેવાસીઓ માટે બેડ ન્યૂઝ, રસ્તાઓના કામકાજ રખડ્યાં…
મુંબઈઃ કલ્યાણ-ડોંબિવલી શહેરના રસ્તાને ખાડા મુક્ત કરવા માટે શહેરના 31 રસ્તાઓનું કોંક્રિટીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામકાજ માટે એમએમઆરડીએ દ્વારા 360 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી હતી.
જોકે જમીન અધિગ્રહણ, મહાનગર ગૅસની લાઈન માટે કરવામાં આવેલા ખોદકામ, ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇન અને ભારે ટ્રાફિકને લીધે કોંક્રિટીકરણનું કામ બંધ પડી ગયું છે.
આગામી બે મહિનામાં દેશમાં ચોમાસુ શરૂ થશે. આ દરમિયાન કલ્યાણ-ડોંબિવલી શહેરના મહત્ત્વના રસ્તાઓને ખોદી પાડવામાં આવતા નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડશે. કલ્યાણ-ડોંબિવલી શહેરના 24 રસ્તા એમએમઆરડીએ અને સાત રસ્તાનું કામ પાલિકા દ્વારા કરવામાં આવવાનું છે. જોકે અનેક કારણોને લીધે આ કામ રખડી પડ્યું છે.
શહેરમાં ટ્રાફિક જેવી અનેક સમસ્યા નિર્માણ ન થાય તે માટે આ કામકાજ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આવાહન પાલિકા સામે ઊભું છે, જેને લીધે કલ્યાણ-ડોંબિવલીના નાગરિકો ચોમાસા પહેલા રસ્તાઓનું કામ પૂર્ણ ન થવાને લીધે મુશ્કેલીમાં સપડાવાના છે.