મુંબઈથી પુણે-નાશિક જનારા માટે બેડ ન્યૂઝ, શેરિંગ ટેક્સીના ભાડાં પર લટકતી તલવાર
મુંબઈઃ આર્થિક પાટનગરમાં સરળ ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો હંમેશાં સરકાર માટે પડકારજનક રહ્યો છે. જોકે પાટનગર નજીકના પરાં વિસ્તારો જ નહીં, પણ શહેરોમાં અવરજવર કરનારા લોકોને શેરિંગ ટેક્સીમાં પ્રવાસ કરવો પડે છે, ત્યારે આગામી દિવસોમાં આ સર્વિસ પણ મોંઘી થવાના એંધાણ છે.
હવે મુંબઈથી નાશિક, પુણે, શિરડી અને પુણેના અન્ય રૂટ્સ પર શેરિંગ ટેક્સીના ભાડાંમાં રૂપિયા 50થી 200નો વધારો થવાનો છે. આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી બેઠકમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (એમએમઆરટીએ)એ આ ત્રણ રૂટ્સ ઉપર કાળી-પીળી, નોન-એસી ટેક્સી અને બ્લુ અને સિલ્વર એસી-ટેક્સીના ભાડાંમાં વધારાની પણ મંજૂરી આપી હતી.
મુંબઈથી એસી ટેક્સીમાં મુસાફરી કરતા પ્રવાસીઓને નાશિક માટે 100 અને તેથી વધુ શિરડી માટે 200 અને તેનાથી વધુ, જ્યારે પુણે માટે એસી અને નોન એસી બંન્ને માટે વધારાના 50 રૂપિયા ચૂકવવાના રહેશે, એમ આરટીઓના અધિકારીએ જણાવ્યું હતું.
નવા ફેરફાર મુજબ એસી ટેક્સીમાં મુંબઈ-નાશિક અને મુંબઈ શેરડીનું ભાડું હાલના 475 અને 625 રૂપિયાની જગ્યાએ 575 અને 825 રૂપિયા હશે. જ્યારે મુંબઈ પુણેના રૂટ પર નોન એસીનું ભાડું 450ની જગ્યાએ 500 રૂપિયા તેમ જ એસી ટેક્સી માટે 525ની જગ્યાએ 575 રૂપિયા ભાડું લેવામાં આવશે.
હાલમાં આ ભાડામાં વધારાને લઈ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પણ આરટીઓના અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આગામી મહિનાથી જ આ ભાડાંમાં વધારાનો અમલ થઈ જશે. મુંબઈમાં દાદાર સ્થિત તેમના ટેક્સી સ્ટેન્ડ પર આ ભાડાના ફેરફારને ડિસ્પ્લેમાં મૂકવામાં આવે. મુંબઈ-પુણે ટેક્સી રૂટ 155 કિમી લાંબો છે, જ્યારે મુંબઈ-નાશિક અને મુંબઈ-શિરડીના રૂટ 175 કિમી અને 265 કિમી લાંબા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એમએમઆરટીએએ ત્રણ વર્ષથી પણ ઓછા સમયમાં મુંબઈ-પુણેના રૂટ પરના ટેક્સી ભાડામાં ફેરફાર કર્યો છે, જે પહેલા 2021 ઓગસ્ટમાં મંજૂર કરવામાં આવ્યા હતા. પણ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ મુંબઈ-નાશિક અને મુંબઈ-શિરડીના રૂટ પર સપ્ટેમ્બર 2013થી ટેક્સીભાડામાં કોઈ ફરફેરા કર્યો ન હતો.
કેબ ડ્રાઈવરોનું પ્રતિનિધિત્વ કરતા મોટા યુનિયનોમાનું એક મુંબઈ ટેક્સી એસોસિએશન ડિસેમ્બર 2021થી મુંબઈ-નાશિક રૂટ પર ભાડામાં ફેરફારની માગ કરી રહ્યું છે, પણ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નહોતો. જોકે બાદમાં ઓગસ્ટ 2021માં આ માગણીની મંજૂરી આપવામાં આવી હતી. ટ્રેન અને બસ ઉપરાંત મોટા ભાગના મુસાફરો મુંબઈથી શિરડી, પુણે અને નાશિક માટે શેરિંગ કેબનો ઉપયોગ કરે છે, તેથી આગામી દિવસોમાં બાય રોડની મુસાફરીમાં મોંઘી થવાનું નિશ્ચિત છે.