આમચી મુંબઈ

વસઈ-વિરાર અને મીરા-ભાયંદરવાસીઓ માટે બેડ ન્યૂઝ, રોજ આટલા લોકો થાય છે ગાયબ

મુંબઈ: મુંબઈ નજીકના વસઈ- વિરાર અને મીરા-ભાયંદર વગેરે શહેરમાંથી રોજ છ લોકો ગાયબ થયા હોવાની ચોંકાવનારી રિપોર્ટ જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં વર્ષ 2023માં 11 મહિનાના સમયગાળામાં 2,042 લોકો ગાયબ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટ વિશે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ગાયબ થયેલા લોકોમાંથી 514 લોકોને હજી સુધી મળ્યા નથી, પણ બાકીના લોકોને શોધવામાં પોલીસ ટીમને સફળતા મળી હતી.

આ શહેરોમાંથી અનેક કારણોને લીધે ઘર છોડીને જતાં લોકોની સંખ્યામાં વધારો થયો છે. પોલીસે કહ્યું હતું કે 2023માં 30 નવેમ્બર સુધી 2,042 લોકો ગુમ થતાં હોવાની ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં 1,162 મહિલા અને 880 પુરુષનો સમાવેશ છે. આ ખોવાયેલા લોકોમાંથી 1,528 લોકોને શોધી તેમને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું, પણ બાકીના 514 લોકોની હજી સુધી કોઈ માહિતી પોલીસને મળી નથી. આ કુલ આંકડાની સરાસરી કાઢીએ તો રોજ છ લોકો આ શહેરોમાંથી ગાયબ થયા હોવાનું કહી શકાય, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.


આ ગાયબ થયેલા લોકોમાં જો વ્યક્તિની ઉંમર 18 વર્ષની નીચે હોય તો અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જો કોઈ વયસ્ક વ્યક્તિ ગુમ થઈ જાય તો ગાયબ થયાના 24 કલાક બાદ તેની ફરિયાદ દાખલ કરવામાં આવે છે, પણ આ મામલે પોલીસ પ્રશાસન ગંભીર નહીં હોવાની નાગરિકોએ ફરિયાદ કરી હતી.


આ ડેટા મુજબ મુંબઈના નાયગાવમાં રહેતી એક 28 વર્ષની યુવતી નવ ઓગસ્ટથી ગાયબ હતી. આ મામલે પોલીસમાં ફરિયાદ કરાવ્યા છતાં ઝડપથી તપાસ કરી નહોતી. ત્યારબાદ તેનો મૃતદેહ છેક ગુજરાતના વલસાડથી મળ્યો હતો. આ મૃતદેહને બિનવારસ સમજીને વલસાડ પોલીસ દ્વારા તેનું અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને મૃતક યુવતીના પરિવાર દ્વારા પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button