બાબુલનાથ મંદિરને એક રૂપિયા ભાડે 30 વર્ષ માટે લીઝ વધારી આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના અત્યંત પ્રસિદ્ધ બાબુલનાથ મંદિરના લીઝને વાર્ષિક એક રૂપિયાના ભાડે આગામી ત્રીસ વર્ષ માટે લંબાવી આપવાનો નિર્ણય રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
આ બાબતની માહિતી આપતાં વિધાનસભ્ય મિહિર કોટેચાએ જણાવ્યું હતું કે ‘ઐતિહાસિક મંદિરની લીઝ 2012થી રિન્યુ કરવામાં આવી નહોતી. મેં સતત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે સાથે પત્રવ્યવહાર કર્યોે હતો અને વાર્ષિક એક રૂપિયાના ભાડા સાથે લીઝ રિન્યુ કરવા બદલ લાખો ભક્તો વતી હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.’
આપણ વાચો: મંદિરોમાં ઊમટી ભીડ:
ચાલુ વર્ષના મે મહિનામાં ફડણવીસને લખેલા પત્રમાં મિહિર કોટેચાએ જણાવ્યું હતું કે મલબાર ખંબાલા હિલ મહેસૂલ વિભાગમાં જમીન સર્વે નંબર 435નો કુલ વિસ્તાર 5677 ચોરસ મીટર છે. આમાંથી, 1901થી શ્રી બાબુલનાથ મંદિર ચેરિટી ટ્રસ્ટને 718.23 ચોરસ મીટરનો વિસ્તાર ભાડે આપવામાં આવ્યો છે.
‘વધુમાં, મુંબઈ શહેરના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કાર્યાલય તરફથી 17/02/2022ના પત્રમાં આપેલા આદેશો અનુસાર, એક રૂપિયાનું નજીવું વાર્ષિક ભાડું વસૂલીને ઉપરોક્ત લીઝ રિન્યૂ કરવા માટે સરકારને દરખાસ્ત પણ કરવામાં આવી હતી,’ એવો ઉલ્લેખ કોટેચાએ પત્રમાં કર્યો હતો.



