દહેશત ફેલાવવા અને વર્ચસ જમાવવા બાબા સિદ્દીકીની હત્યા કરાઈ: ચાર્જશીટ
વિશેષ કોર્ટમાં 4,590 પાનાંનું આરોપનામું દાખલ: અનમોલ બિશ્ર્નોઈ ઉર્ફે એબી ભાઈ સહિત ત્રણ ફરાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ વિરુદ્ધ 4,590 પાનાંનું આરોપનામું કોર્ટમાં દાખલ કર્યું હતું. ભાગેડુ ગૅન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઈ ઉર્ફે એબી ભાઈએ તેની ગૅન્ગની દહેશત ફેલાવવા અને વર્ચસ્વ જમાવવાના ઉદ્દેશથી બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હોવાનો દાવો આરોપનામામાં કરાયો હતો.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ક્રાઈમ બાબા સિદ્દીકી હત્યા કેસમાં બ્રાન્ચે સોમવારે વિશેષ એમસીઓસીએ કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું. આ કેસમાં ત્યાર સુધીમાં મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ સહિત 26 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ગૅન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઈ ઉર્ફે એબી ભાઈ સહિત ત્રણ જણને આરોપનામામાં ફરાર દર્શાવાયા હતા.
ફરાર અન્ય બે આરોપીમાં સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડવામાં સંડોવાયેલા મોહમ્મદ યાસીન અખ્તર ઉર્ફે સિકંદર અને શુભમ રામેશ્ર્વર લોણકર ઉર્ફે શુબ્બુનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં સંડોવાયેલા 29 આરોપી વિરુદ્ધ સબળ પુરાવા હાથ લાગ્યા છે. અનમોલ બિશ્ર્નોઈએ તેની ગૅન્ગની દહેશત ફેલાવવા અને વર્ચસ જમાવવાને ઈરાદે સિદ્દીકીની હત્યા કરાવી હોવાનું ચાર્જશીટમાં નોંધવામાં આવ્યું છે.
આપણ વાંચો: બાબા સિદ્દીકી હત્યા કેસ: આઠ આરોપીને અદાલતી કસ્ટડી…
બાન્દ્રા પૂર્વમાં પાર્ટીની ઑફિસથી ઘરે જવા નીકળેલા બાબા સિદ્દીકી પર 12 ઑક્ટોબરની રાતે ગોળીબાર કરવામાં આવ્યો હતો. બાઈકસવાર ત્રણ શૂટરે કરેલા ગોળીબારમાં સિદ્દીકીનું મૃત્યુ થયું હતું.
આ કેસમાં પોલીસે બાદમાં આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) લગાવ્યો હતો.
આરોપનામા અનુસાર આ કેસમાં 180 સાક્ષીની નોંધ કરાઈ હતી અને 88 જણનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં. આરોપીઓ પાસેથી પાંચ પિસ્તોલ, છ મૅગેઝિન, 84 કારતૂસ અને 35 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.
આપણ વાંચો: બાબા સિદ્દીકી હત્યા કેસ…
ઉલ્લેખનીય છે કે અગાઉ તપાસ એજન્સીએ ગુનામાં અનમોલ બિશ્ર્નોઈની ભૂમિકા અસ્પષ્ટ હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું. એ સુનાવણી દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે અનમોલ બિશ્ર્નોઈ પોતાની અલગ ટોળકી ચલાવે છે, જે મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, કરિયાણા અને મધ્ય પ્રદેશમાં પ્રવૃત્ત છે.