બાબા સિદ્દીકી હત્યા કેસ ઝીશાન અખ્તરના વીડિયોથી ખળભળાટ: પાકિસ્તાની ગૅન્ગસ્ટરે આશ્રય આપ્યાનો દાવો

મુંબઈ: એનસીપીના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં પોલીસ જેને શોધી રહી છે એ ફરાર આરોપી ઝીશાન અખ્તરનો એક વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાની ગૅન્ગસ્ટરે ભગવામાં મદદ કરવા સાથે આશ્રય આપ્યો હોવાનો દાવો અખ્તરે વીડિયોમાં કરતાં ખળભળાટ મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની સત્યતા પોલીસ તપાસી રહી છે.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય શૂટર સહિત 26 આરોપીની ધરપકડ કરી હતી. ગુજરાતની જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ ટોળકીએ આ હત્યા કરી હોવાનું તપાસમાં જણાતાં પોલીસે લૉરેન્સ અને વિદેશમાં રહેતા તેના ભાઈ અનમોલ બિશ્ર્નોઈને પણ આ કેસમાં આરોપી બનાવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ પોલીસે એમસીઓસીએ લગાવ્યો હતો.
અનમોલ બિશ્ર્નોઈને ઇશારે બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કાવતરું ઘડવામાં સામેલ આરોપી ઝીશાન અખ્તર હજુ પોલીસને હાથ લાગ્યો નથી. કહેવાય છે કે કાવતરાને અંજામ આપવા માટે અખ્તરે જ શૂટરો અને અન્ય આરોપીઓને ભેગા કર્યા હતા. સૂત્રસંચાલન કરનારો અખ્તર શૂટરો બાબા સિદ્દીકીની હત્યાને અંજામ આપે તે પહેલાં જ ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની શોધ ચલાવી રહી છે.
આ પણ વાંચો : બાબા સિદ્દીકી હત્યાકેસ: ગેન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઇ, બે વોન્ટેડ આરોપી સામે વોરન્ટ જારી…
હવે અખ્તરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અખ્તરે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના ગૅન્ગસ્ટર શહઝાદ ભટ્ટીએ તેને ફરાર થવામાં મદદ કરી હતી. અત્યારે તેને ભટ્ટીએ જ આશ્રય આપ્યો છે. અત્યારે તે એશિયા ખંડથી દૂર હોવાનો દાવો પણ વીડિયોમાં કરાયો હતો.
હંમેશ મુજબ વિરોધી ટોળકીના લોકોને તેણે વીડિયોના માધ્યમથી ધમકી આપી હતી. વીડિયોમાં કરાયેલા દાવા મુજબ અખ્તર દેશ છોડી ગયો હોવાથી તેને પાછો લાવવા માટે પોલીસે લોઢાના ચણા ચાવવા પડે એવી શક્યતા છે. જોકે આ વીડિયો ખરેખર અખ્તરનો જ છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.