બાબા સિદ્દીકી હત્યાકેસ: વધુ એક આરોપીની પંજાબથી ધરપકડ

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને પંજાબથી પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ આકાશદીપ કરજસિંહ ગિલ (22) તરીકે થઇ હોઇ તે પંજાબના ફઝિલ્કા જિલ્લાના પક્કા ચિશ્તી ગામનો રહેવાસી છે.
બાબા સિદ્દીકી હત્યાકેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં આકાશદીપ ગિલનું નામ સામે આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે પંજાબની એન્ટિ-ગેન્ગસ્ટર ટાસ્ક ફોર્સ (એજીટીએફ) સાથે જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને તેને પકડી પાડ્યો હતો. આકાશદીપને બાદમાં કોર્ટમાં હાજર કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવાયા હતા અને તેને હવે મુંબઈ લાવવામાં આવશે.
આરોપી આકાશદીપ ગિલ લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ સાથે સંકળાયેલો હતો અને બાબા સિદ્દીકીની હત્યામાં સંડોવાયેલા શૂટરોને તેણે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો.
આ પણ વાંચો: બાબા સિદ્દીકીના મોતની ખાતરી કરવા શૂટર અડધો કલાક હૉસ્પિટલ બહાર ઊભો હતો
દરમિયાન સિદ્દીકી હત્યાકેસમાં ઉત્તર પ્રદેશથી ધરપકડ કરાયેલા મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાએ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકી અને શ્રદ્ધા વાલકર હત્યાકેસના આરોપી આફતાબ પૂનાવાલા લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના હિટલિસ્ટ પર હોવાનું શિવાની પૂછપરછમાં જાણવા મળ્યું છે.
સપ્ટેમ્બરમાં બિશ્નોઈ ગેન્ગના સભ્યોએ ફારુકી પર હુમલો કરવાના ઇરાદે દિલ્હીમાં ફારુકી જ્યાં રોકાયો હતો ત્યાં જ મુકામ કર્યો હતો. જોકે ઇન્ટેલિજન્સ એજન્સીઓને જાણ થતાં હુમલા ખાળવામાં આવ્યો હતો. ઑક્ટોબરમાં મુંબઇ પોલીસે ફારુકીની સલામતી વધારી હતી.
આ પણ વાંચો: બાબા સિદ્દીકીને પતાવવા મહિનાથી શૂટરોને મોકાની તલાશ હતી
શિવાએ પોલીસને કહ્યું હતું કે ફરાર આરોપી શુભમ લોણકરે ફારુકી અને આફતાબ પૂનાવાલાની હત્યાની યોજનાની જાણ કરી હતી. મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે આ અંગે દિલ્હી પોલીસને સતર્ક કરી છે આફતાબ પૂનાવાલાએ 18 મે, 2022ના રોજ લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરી હતી. બાદમાં તેના શરીરના અનેક ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા. 12 નવેમ્બર, 2022ના તેની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન બિશ્ર્નોઇ ગેન્ગના શુભમ લોણકરે 2022માં આફતાબને ખતમ કરવા મહિના સુધી દિલ્હીની સાકેત વિસ્તારની રેકી કરી હતી. જોકે ચુસ્ત બંદોબસ્તને કારણે તેની યોજના સફળ થઇ શકી નહોતી.