બાબા સિદ્દીકી હત્યા કેસ…
મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ચાર સાથી સાથે ઉત્તર પ્રદેશમાં પકડાયો શિવકુમાર નેપાળ ફરાર થવાની તૈયારીમાં હતો: સિદ્દીકીની હત્યા માટે તેને 10 લાખ રૂપિયા મળવાના હતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં ફરાર મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવા તેના ચાર સાથી સાથે ઉત્તર પ્રદેશમાં પકડાઈ ગયો હતો.
આ પણ વાંચો : 19 વર્ષથી ફરાર આરોપી સગાંને મળવા આવ્યો અને પોલીસને હાથે ઝડપાયો…
મહિનાભરથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ જેની શોધ ચલાવી રહી હતી તે શિવકુમાર નેપાળ ફરાર થવાની તૈયારીમાં હતો. સિદ્દીકીની હત્યા માટે તેને 10 લાખ રૂપિયા અને દર મહિને અમુક મહેનતાણું આપવાનો વાયદો કરાયો હતો.
ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી રવિવારની સાંજે શિવકુમાર ગૌતમ, અનુરાગ કશ્યપ, જ્ઞાન પ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્તવ અને અખિલેન્દ્ર પ્રતાપ સિંહને પકડી પાડ્યા હતા. અનુરાગ કશ્યપ આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા શૂટર ધર્મરાજ રાધે કશ્યપનો ભાઈ છે. પાંચેય આરોપીને મુંબઈ લાવવામાં આવી રહ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
બાન્દ્રા પૂર્વમાં 12 ઑક્ટોબરની રાતે ગોળી મારી બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. હત્યામાં સંડોવાયેલા બે શૂટર ગુરમેલ બલજિત સિંહ અને ધર્મરાજ કશ્યપ ઘટનાની રાતે જ ઝડપાઈ ગયા હતા, જ્યારે મુખ્ય શૂટર શિવકુમાર ફરાર થઈ ગયો હતો. શિવકુમાર ઉત્તર પ્રદેશના બહરાઈચનો વતની હોવાથી મુંબઈ પોલીસે તેની માહિતી મેળવવા અંગે યુપી એસટીએફની મદદ માગી હતી. 23 ઑક્ટોબરે આ અંગેનો પત્ર પણ યુપી પોલીસને આપવામાં આવ્યો હતો.
દરમિયાન શિવકુમાર બહરાઈચમાં સંતાયો હોવાની માહિતી મળતાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ યુપી પહોંચી હતી. એસટીએફની મદદથી નાનપારા પોલીસની હદમાંથી પાંચેયને પકડી પાડવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં શિવકુમાર ગૌતમે પોલીસને જણાવ્યું હતું કે સિદ્દીકીની હત્યા માટે તેને 10 લાખ રૂપિયા મળવાના હતા. એ સિવાય દર મહિને મહેનતાણું આપવાનો વાયદો તેને કરવામાં આવ્યો હતો. પૂનામાં ભંગારના કામ દરમિયાન તેની ઓળખાણ શુભમ લોણકર સાથે થઈ હતી. ફરાર શુભમ લોણકર ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ માટે કામ કરતો હોવાનું તેણે જણાવ્યું હતું.
શિવકુમારના કહેવા મુજબ શુભમે સ્નેપ ચેટના માધ્યમથી લૉરેન્સના ભાઈ અનમોલ બિશ્ર્નોઈ સાથે અનેક વાર તેની વાત કરાવી હતી. સિદ્દીકીની હત્યા માટે શુભમ અને મોહમ્મદ યાસીન અખ્તરે ત્રણેય શૂટરને મોબાઈલ ફોન અને સિમ કાર્ડ પૂરાં પાડ્યાં હતાં.
આ પણ વાંચો : ‘એક મહિનામાં મારી નાખવામાં આવશે….’ મુંબઈ પોલીસને સલમાનના નામે ફરી ધમકી મળી
સિદ્દીકીની હત્યા પછી શિવકુમાર ભાગીને પુણે પહોંચ્યો હતો. પુણેથી ઝાંસી અને ત્યાંથી લખનઊ ગયો હતો. લખનઊથી તે બહરાઈચ ગયો હતો. ટ્રેનમાં એક પ્રવાસીના ફોન પરથી તેણે અનુરાગ કશ્યપ સાથે વાત કરી હતી. તે સમયે અખિલેન્દ્ર, જ્ઞાન પ્રકાશ અને આકાશે શિવકુમારને નેપાળ પહોંચાડવાની અને તેને રહેવાની સગવડ કરી હોવાનું અનુરાગે કહ્યું હતું. જોકે નેપાળ જવાની પહેલાં જ તે પોલીસને હાથ લાગ્યો હતો.