બાબા સિદ્દીકી હત્યાકેસ: ચાર આરોપીની પોલીસ કસ્ટડી 25 ઑક્ટોબર સુધી લંબાવાઇ…

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા બે શૂટર સહિત ચાર આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે 25 ઑક્ટોબર સુધી લંબાવી હતી.
આ પણ વાંચો : થાણે મૉડ્યુલે બાબા સિદ્દીકીની હત્યા માટે 50 લાખ રૂપિયા માગ્યા હતા
હરિયાણાના ગુરમેન બલજીતસિંહ, ઉત્તર પ્રદેશના ધર્મરાજ કશ્યપ તથા હરિશકુમાર નિસાદ અને પ્રવીણ લોણકરની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી સોમવારે તેમને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.આર. પાટીલ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.
તપાસકર્તા પક્ષે ચારેય આરોપીની પોલીસ કસ્ટડી લંબાવી આપવાની માગણી કરતાં જણાવ્યું હતું કે આરોપી તપાસમાં સહકાર આપતા નથી અને તેઓ ભ્રામક માહિતી આપી રહ્યા છે, જેને કારણે મુખ્ય સૂત્રોધારો સુધી પહોંચી શકાતું નથી.
તેમણે કોર્ટે જણાવ્યું હતું કે બાબા સિદ્દીકીની હત્યા કરવા અગાઉ રેકી કરતી વખતે આરોપીઓએ વાપરેલી હેલ્મેટ કુર્લાના ઘરેથી હસ્તગત કરવામાં આવી છે. દરમિયાન કોર્ટે દલીલ સાંભળ્યા બાદ ચારેય આરોપીને 25 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
નોંધનીય છે કે બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ શૂટરો કુર્લામાં ભાડાના ઘરમાં કેટલાક દિવસ રોકાયા હતા. એ પહેલા તેઓ પુણેમાં રહ્યા હતા.
બાબા સિદ્દીકી 12 ઑક્ટોબરે રાતે બાંદ્રા પૂર્વમાં મીટિંગમાં હાજરી આપી પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે નિર્મલનગરમાં પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ બહાર તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં તેમને છાતીમાં ત્રણ ગોળી વાગી હતી અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. ગોળીબાર બાદ શૂટર શિવકુમાર ગૌતમ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, જ્યારે બાકીના બે શૂટર ગુરમેલસિંહ અને ધર્મરાજને પોલીસે પકડી પાડ્યા હતા.