બાબા સિદ્દીકી હત્યા કેસ…
ગૅન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઈ મુખ્ય કાવતરાખોર: પોલીસની કોર્ટમાં માહિતી
મુંબઈ: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યામાં જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈનો નાનો ભાઈ અનમોલ બિશ્ર્નોઈ મુખ્ય કાવતરાખોર હોવાની માહિતી મુંબઈ પોલીસે વિશેષ અદાલતમાં આપી હતી.
આ પણ વાંચો : માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મુંબઈ કોર્ટે આરોપી ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ સ્થગિત રાખ્યું…
આ કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) લગાવવામાં આવ્યા પછી આઠ આરોપીની પોલીસ કસ્ટડીની માગણી કરતાં પોલીસે અનમોલ બિશ્ર્નોઈ સૂત્રધાર હોવાનો દાવો કર્યો હતો.
વિશેષ એમસીઓસીએ કોર્ટના જજ એ. એમ. પાટીલે મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ સહિત આઠેય આરોપીને 7 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
એનસીપીના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકી (66) પર બાન્દ્રા પૂર્વમાં તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઑફિસ બહાર 12 ઑક્ટોબરની રાતે ત્રણ શૂટરે ગોળીબાર કર્યો હતો. બે ગોળી છાતીમાં વાગતાં સિદ્દીકીને લીલાવતી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
આ કેસમાં અનમોલ બિશ્ર્નોઈને ફરાર આરોપી દર્શાવાયો છે. તાજેતરમાં યુએસમાં અનમોલને તાબામાં લેવાયો હતો. હાલમાં તે ત્યાંની જેલમાં છે.
આરોપીઓની પોલીસ કસ્ટડીની માગણી કરતાં પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન અનમોલ બિશ્ર્નોઈનું નામ મુખ્ય કાવતરાખોર તરીકે સામે આવ્યું હતું. તેણે અન્ય આરોપીઓને આર્થિક મદદ પૂરી પાડી હોવાનું જણાયું હતું. તેથી ભંડોળનો સ્રોત અને તેનો ઉપયોગ ક્યાં થયો છે તેની તપાસ કરવાની જરૂર છે.
અનમોલ કમ્યુનિકેશન ઍપના માધ્યમથી સહ-આરોપીઓના સંપર્કમાં રહેતો હતો. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. તેથી આરોપીઓની વધુ કસ્ટડીની આવશ્યકતા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : બદલાપુર યૌન શોષણ કેસ: આરોપીની હત્યાની તપાસમાં ઢીલ બદલ હાઇકોર્ટે સીઆઇડીને ઠપકારી
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 26 આરોપીની ધરપકડ કરી છે. 30 નવેમ્બરે આરોપીઓ વિરુદ્ધ એમસીઓસીએ લગાવવામાં આવ્યો હતો, જેને પગલે મંગળવારે તેમને વિશેષ અદાલત સમક્ષ હાજર કરાયા હતા. (પીટીઆઈ)