બાબા સિદ્દીકીનો મોબાઈલ નંબર રિઍક્ટિવેટ કરાવવાનો પ્રયાસ: દિલ્હીથી યુવાન પકડાયો
ઉચ્ચ શિક્ષિત યુવાન રિઍક્ટિવ કરેલા નંબરથી પોતાના બૅન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી લેતો

યોગેશ સી. પટેલ
મુંબઈ: બાન્દ્રામાં ગોળી મારી હત્યા કરાયેલા એનસીપીના નેતા બાબા સિદ્દીકીનો મોબાઈલ નંબર રિઍક્ટિવેટનો પ્રયાસ કરનારા યુવાનને દિલ્હીથી પકડી પાડવામાં આવ્યો હતો. આ રીતે રિઍક્ટિવ કરેલા નંબરથી આરોપી આર્થિક છેતરપિંડી કરતો હોવાનું તપાસમાં જણાયું હતું.
બાન્દ્રા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વિવેક સબરવાલ (48) તરીકે થઈ હતી. એમબીએ કરનારો સબરવાલ ખાનગી બૅન્કના લોન સેન્ક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો.
મૃત્યુ પામેલી વ્યક્તિનાં સિમ કાર્ડ્સ રિઍક્ટિવેટિંગ કરવાને મામલે દિલ્હી પોલીસે અગાઉ અનેક વાર સબરવાલની ધરપકડ કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. વ્યક્તિ મૃત્યુ પામ્યા બાદ પરિવારજનોએ તેનો મોબાઈલ નંબર ડિઍક્ટિવેટ ન કરાવ્યો હોય એવા નંબરને આરોપી ટાર્ગેટ કરતો હતો.
આપણ વાંચો: બાબા સિદ્દીકી હત્યાકેસનો માસ્ટરમાઇન્ડ જીશાન અખ્તર કેનેડામાં પકડાયો
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી લોન લેનારી વ્યક્તિના મોબાઈલ નંબર સહિતની માહિતી ડેટા પ્રોવાઈડર કંપનીઓ પાસેથી મેળવતો હતો. બાદમાં આરોપી એ નંબર પર કૉલ કરતો હતો.
નંબર સ્વિચ ઑફ્ફ અથવા ઈનઍક્ટિવ હોય તો તેને ટાર્ગેટ કરતો. એ મોબાઈલ નંબર મૃત્યુ પામેલી વ્યક્તિનો હોય તો તેની ઓળખ મેળવતો અને લોન લેતી વખતે જમા કરેલા દસ્તાવેજો સંબંધિત બૅન્કમાંથી પ્રાપ્ત કરતો હતો.
આપણ વાંચો: બાબા સિદ્દીકી હત્યા કેસ ઝીશાન અખ્તરના વીડિયોથી ખળભળાટ: પાકિસ્તાની ગૅન્ગસ્ટરે આશ્રય આપ્યાનો દાવો
બૅન્કમાંથી મળેલા દસ્તાવેજોને આધારે તે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીને સંબંધિત વ્યક્તિના નામનું સિમ કાર્ડ રિઍક્ટિવેટ કરવા માટે રિક્વેસ્ટ મોકલતો. સિમ કાર્ડ મેળવવામાં તે સફળ થાય તો તેને ઍક્ટિવેટ કરીને મોબાઈલ ફોનમાં ગૂગલ પે જેવી અન્ય ઍપ ડાઉનલૉડ કરતો, જે મૃતકના બૅન્ક ખાતા સાથે લિંક હોય. બાદમાં મૃતકના બૅન્ક ખાતામાંની રોકડ તે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતો હતો, એવું પોલીસે જણાવ્યું હતું.
આરોપીએ બોગસ ઈ-મેઈલ આઈડી પરથી બાબા સિદ્દીકીનું સિમ કાર્ડ ઍક્ટિવેટ કરવાની રિક્વેસ્ટ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીને મોકલી હતી. કંપની દ્વારા ખાતરી કરવા માટે પચીસ જૂને એક મેઈલ સિદ્દીકીની પત્નીને મોકલવામાં આવ્યો હતો. સંબંધિત નંબર સાથે સિદ્દીકીની પત્નીનો ઈ-મેઈલ આઈડી લિંક હતો. વળી, એ નંબર સિદ્દીકીના રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.
દરમિયાન ઈ-મેઈલ મળતાં જ સિદ્દીકીની પત્ની ચોંકી ગઈ હતી. સિદ્દીકી પરિવારે આ બાબતે બાન્દ્રા પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડ્યો હતો.