બાબા સિદ્દીકી હત્યાકેસ: મુખ્ય શૂટર શિવકુમારની પોલીસ કસ્ટડી લંબાવાઇ

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમની પોલીસ કસ્ટડી કોર્ટે 23 નવેમ્બર સુધી લંબાવી હતી.
શિવકુમારની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી તેને મંગળવારે કોર્ટમાં હાજર કરાયો હતો. પોલીસે શિવકુમારની વધુ કસ્ટડીની માગણી કરતાં કોર્ટેને જણાવ્યું હતું કે શિવકુમાર તપાસમાં સહકાર નથી આપી રહ્યો અને ગુનામાં વપરાયેલું હથિયાર હજી સુધી જપ્ત કરાયું નથી.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) સાથે જોઇન્ટ ઑપરેશન હાથ ધરીને શિવકુમારને ઝડપી પાડ્યો હતો. શિવકુમાર નેપાળ ભાગી છૂટવાની તૈયારીમાં હતો અને આ માટે તેને મદદ કરી રહેલા અનુરાગ કશ્યપ, જ્ઞાન પ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્તવ તેમ જ અખિલેન્દ્ર પ્રતાપ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે મંગળવારે શિવકુમારની પોલીસ કસ્ટડી લંબાવી આપી હતી, જ્યારે બાકીના ચાર આરોપીને 14 દિવસની અદાલતી કસ્ટડી ફટકારાઇ હતી.
ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકી 12 ઑક્ટોબરે રાતે બાંદ્રામાં મીટિંગમાં હાજરી આપીને પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે નિર્મલનગર ખાતે પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ બહાર સિદ્દીકી પર ગોળીબાર કરાયો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. (પીટીઆઇ)