આમચી મુંબઈ

બાબા સિદ્દિકીની હત્યા પછી બિશ્નોઇ ગેંગ મોટા કાંડ કરવાની તૈયારીમાં?

મુંબઈ: બોલીવુડના અભિનેતા સલમાન ખાન સહિત અન્ય કલાકારો લોરેન્સ બિશ્નોઇ ગેંગના હિટલિસ્ટ પર છે. એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા બાબા સિદ્ધીકીની હત્યા બાદ આ ગેંગ વધુ મોટા કાંડ કરવાની તૈયારીમાં હોવાનું પોલીસને માહિતી મળી છે.

મુંબઈ પોલીસે અંધેરીમાંથી કેટલાક દિવસ પહેલા પાંચ શૂટરની ધરપકડ કરી હતી જેમાંથી એક આરોપી બિશ્નોઇ ગેંગના સંપર્કમાં હોવાનું તપાસમાં ખુલાસો થયો હતો.

આપણ વાંચો: આફતાબ પૂનાવાલાને જેલમાં જ મારવાની યોજના બનાવી હતી લોરેન્સ બિશ્નોઇ ગેંગે…

આ પાંચ આરોપી પાસેથી પોલીસે સાત બંદૂક અને ૨૧ જીવંત કારતૂસ જપ્ત કર્યા હતા. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર એક આરોપી વિકાસ ઠાકુરે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે બિશ્નોઇ ગેંગના સ્પર્કમાં હતો.

લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇના આદેશ બાદ આ પાંચ શૂટર મુંબઈમાં આવ્યા હતા કે? તેની તપાસ પોલીસ કરી રહ્યા છે. મુંબઈમાં તેમને એક મોટો કોન્ટ્રેક્ટ પણ મળ્યો હતો.

આપણ વાંચો: અમેરિકામાં લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈની ધરપકડ; NIA એ જાહેર કર્યું છે 10 લાખનું ઈનામ…

મુંબઈ પહોંચીને કોના ઉપર હુમલો કરવાનો છે એની માહિતી ગેંગ તરફથી મળવાની હતી, પણ તેના પહેલા જ પોલીસે તેમની ધરપકડ કરી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ હુમલા બાદ પાંચ જણને પચાસ લાખ રૂપિયા મળવાના હતા અને મુંબઈના કોઇ મોટા ઉદ્યોગપતિની હત્યા કરવાની હતી, પણ તેના પહેલા જ પોલીસે તેમને પકડી પાડ્યા હતા.

વિકાસ ઠાકુર ઉર્ફે વિકી, સુમિત કુમાર દિલાવર, શ્રેયસ યાદવ, દેવેન્દ્ર સકસેના અને વિવેક ગુપ્તા એમ પાંચ જણની ધરપકડ કરી હતી. તેઓ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી છે. સુમિત કુમાર અને વિકાસ એ હિસ્ટ્રીશીટર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button