મુંબઈમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા…
4000થી વધુ પોલીસ સાથે મહત્ત્વનાં સ્થળોએ અન્ય સુરક્ષા એજન્સીના જવાનો તહેનાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં નવી સરકારની શપથવિધિને ધ્યાનમાં રાખી મુંબઈ પોલીસે શહેરમાં જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દીધી છે. મહત્ત્વનાં સ્થળોએ એસઆરપીએફ સહિતની સુરક્ષા એજન્સીના જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે તો ટ્રાફિક પોલીસ દ્વારા વાહનવ્યવહારનું સતત નિયમન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : હું દેવેન્દ્ર સરિતા ગંગાધર ફડણવીસ…શપથ લેતા પહેલા વિધાનસભ્યોને સંબોધ્યા
આઝાદ મેદાનમાં ગુરુવારે થનારી શપથવિધિમાં મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા બુધવારથી જ વિશેષ સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. શપથવિધિ સુરક્ષિત રીતે પાર પડે તે માટે મુંબઈના પોલીસ કમિશનર, સ્પેશિયલ કમિશનર અને જૉઈન્ટ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર)ની દેખરેખ હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પાંચ એડિશનલ પોલીસ કમિશનર, 15 ડેપ્યુટી પોલીસ કમિશનર, 29 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, 520 પોલીસ અધિકારી અને 3,500 પોલીસ કર્મચારીને સુરક્ષાવ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. સતર્કતા ખાતર બુધવાર સાંજથી જ ઠેકઠેકાણે નાકાબંધી કરી શંકાસ્પદ જણાતાં વાહનોની તપાસ કરવામાં આવી હતી.
પોલીસ સિવાય મહત્ત્વનાં સ્થળોએ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની ટુકડી, ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યૂઆરટી), રાયટ્સ ક્ધટ્રોલ ટીમ, ડેલ્ટા, કોમ્બેટની ટીમ પણ ગોઠવી દેવામાં આવી છે. બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ) અને ડૉગ સ્ક્વોડ પણ સુરક્ષાના કાર્યમાં જોતરાઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Fadanvis Final: આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજીવાર શપથ લેશે ભાજપના દેવાભાઉ
શપથવિધિ દરમિયાન વાહનવ્યવહારનું નિયમન કરવા માટે એડિશનલ પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ ત્રણ ડેપ્યુટી પોલીસ કમિશનર, 30 પોલીસ અધિકારી અને 250 પોલીસ કર્મચારી તહેનાત કરી દેવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે નાગરિકોને વિનંતી કરી છે કે જાહેર કરાયેલી સૂચનાનું પાલન કરી પોલીસને સહકાર આપવો. કોઈ નધણિયાતી વસ્તુ દેખાય અથવા ઈમર્જન્સી જણાય તો તાત્કાલિક પોલીસ ક્ધટ્રોલ રૂમનો સંપર્ક સાધવો.