‘અઝાન પણ મરાઠીમાં થવી જોઈએ’ નિતેશ રાણેએ ભાષા વિવાદની આગમાં ઘી હોમ્યું

મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાઈ શકે છે, આ ચૂંટણી નજીક આવી રહી છે એમ વિવિધ મુદે સમગ્ર મહારાષ્ટ્ર રાજકારણ ગરમાઈ રહ્યું છે. ખાસ કરી મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના(MNS)એ શરુ કરેલો મરાઠી ભાષાનો વિવાદ હાલ સૌથી સળગતો (Marathi Language row) મુદ્દો છે. હવે ભાજપના નેતા અને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નિતેશ રાણે(Nitesh Rane)એ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, તેમણે મરાઠી ભાષા સાથે સાંપ્રદાયિક મુદ્દાને જોડીને નવો વિવાદ ઉભો કર્યો છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે મદરેસામાં ઉર્દૂને બદલે મરાઠી શીખવવું જોઈએ.
વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં રહેવા માટે જાણીતા નિતેશ રાણેએ કહ્યું કે મસ્જીદોમાં અઝાન પણ ફક્ત મરાઠીમાં જ આપવવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે મદરસાઓમાંથી બંદુકો મળે છે. વિપક્ષી પાર્ટીઓએ રાણેના આ નિવેદનને વખોડી કાઢ્યું છે. વિપક્ષે તેમના પર ધર્મ અને ભાષાના નામે નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
રાણેએ શું કહ્યું?
એક જાહેર કાર્યક્રમમાં ભાષણ આપતા નિતેશ રાણેએ કહ્યું, ‘કોંગ્રેસને મરાઠી શાળાઓ ચલાવવાની જરૂર નથી, મૌલવીને કહો કે મદરેસામાં ઉર્દૂને બદલે મરાઠી શીખવે, એ જ સાચું શિક્ષણ છે, નહીં તો ત્યાંથી બંદુકો મળશે. વિપક્ષે મુસ્લિમોને મરાઠીમાં અઝાન બોલવાનું કહેવું જોઈએ.’
આપણ વાંચો: ઝૂંપડપટ્ટીમાં રહેલા કમર્શિયલ યુનિટો પાસેથી ૨૬૮ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ
વિપક્ષે રાણેની ટીકા કરી:
આ નિવેદન બદલ વિપક્ષના નેતાઓ રાણેની ટીકા કરી રહ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ(શરદ પવાર જૂથ)ના નેતા શશિકાંત શિંદેએ કહ્યું, ‘આ ગૃહ મંત્રાલયની જવાબદારી છે. કારણ વગર તણાવ પેદા કરવાની કોઈ જરૂર નથી. જો તેઓ ઇચ્છે છે કે મદરેસામાં મરાઠી શીખવવામાં આવે, તો તેમને કોણ રોકી રહ્યું છે? તેઓ પ્રધાન છે, તેમણે કેબિનેટ બેઠકોમાં આ મુદ્દો ઉઠાવવો જોઈએ. આ રીતે જાહેરમાં ઉશ્કેરણીજનક નિવેદનો આપવાની જરૂર નથી.’
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અને હૈદરાબાદથી લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રાણે પર આકરા પ્રહારો કર્યા હતાં. ઓવૈસીએ કહ્યું, ‘જો તમે રાણેના જૂના ટ્વીટ જોશો તો ખબર પડશે કે તેઓ અગાઉ તબલીગી જમાતના ઇજ્તેમાનું સ્વાગત કરતા હતા અને હવે તેઓ ઈચ્છે છે કે આઝાન મરાઠીમાં થાય!.’
AIMIM નેતા અન્ય એક નેતા વારિસ પઠાણે કહ્યું, ‘મહારાષ્ટ્રમાં ભાજપના નેતાઓ ધર્મ અને ભાષાના નામે નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અશાંતિ ફેલાવી રહ્યા છે. આવા લોકોને રોકવાની જવાબદારી મુખ્યપ્રધાનની છે.’