ઉદ્ધવ ઠાકરેને CM બનવાના આશીર્વાદ આપનારા અવિમુક્તિશ્વરાનંદે ભાજપની જીત માટે શું કહ્યું?
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે તેમને એવો અંદાજ હતો કે મહાયુતિને દૈવી શક્તિના આશીર્વાદ મળશે અને દૈવી શક્તિના કારણે તેમને આટલી મોટી જીત મળી છે.
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની મજબૂત જીત પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતીએ ગઠબંધનની જીતની ફોર્મ્યુલા આપી છે. તેમનું કહેવું છે કે દૈવી શક્તિએ મહાયુતિ ગઠબંધનને વિજયી બનાવ્યું છે.
મહાયુતિ ગઠબંધને 230થી વધુ વિધાનસભા બેઠકો જીતી છે, જેમાંથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 132, એકનાથ શિંદેની શિવસેનાએ 57 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ)એ 41 બેઠકો જીતી છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બળવાખોરોને મનાવવા નેતાઓનો ઓવરટાઈમ
અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે ચૂંટણી પંડિતો થોડા દિવસ પહેલાં સુધી કહેતા હતા કે મહાયુતિ સરકારની સ્થિતિ ખરાબ થશે. જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે તેના પરિણામો ચિંતાજનક હતા. આવી સ્થિતિમાં એ જ માન્યતા રચાઈ હતી. એ પછી પણ એ જ વાત ચાલુ રહી હતી કે મહાયુતિ જેમ તેમ પોતાની સત્તા બચાવી શકશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, આજ સુધીના ઈતિહાસમાં કોઈ પાર્ટી કે ગઠબંધનને આવી ભવ્ય જીત મળી નથી, જે હવે મળી છે. તો લોકોને આ વિશે કેમ અણસાર ન મળ્યા હતા? કારણ કે અહીં દૈવી શક્તિ કામ કરી રહી હતી. જ્યારે દૈવી શક્તિ કામ કરે છે, ત્યારે માણસ તેનું મૂલ્યાંકન કરી શકતો નથી.
અમને એક અંદેશો હતો, તેથી જ તમે જોયું હશે કે ઇતિહાસમાં પહેલીવાર, શંકરાચાર્ય તરીકે અમે કોઈની પાર્ટી માટે કહ્યું હતું કે જનતા તેમને મત આપે અને આશીર્વાદ આપે, અમે આવું કેમ કહ્યું, શું અમે મર્યાદા ભૂલી ગયા હતા? ના અમે બિલકુલ ભૂલી ગયા નહોતા, પરંતુ એકનાથ શિંદેને આ વરદાન મળી ચૂક્યું છે તે દૈવી શક્તિનો અમે અનુભવ કરી લીધો હતો.
શંકરાચાર્યએ કહ્યું હતું કે, એકનાથ શિંદેએ પ્રવાહની વિરુદ્ધ જઈને કંઈક એવું કર્યું જે આઝાદીના 78 વર્ષના ઈતિહાસમાં કોઈ કરી શક્યું નથી. ગાયમાતાને પશુઓની યાદીમાંથી કાઢીને રાજ્યની માતાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એથી જ અમને લાગ્યું કે આ વ્યક્તિને ગાય માતાના આશીર્વાદ મળશે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તા માટે પારિવારિક સંઘર્ષ…
જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ અમે આ વાતને દ્રઢપણે સમજી ગયા અને અમે ખૂબ જ ખુશ છીએ કે ગાય માતાએ તેમના પુત્ર એકનાથ શિંદેને આવા સુંદર આશીર્વાદ આપ્યા છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રદર્શન પર સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રની જનતાએ શિવસેનાની વિચારધારાને જાળવી રાખી છે, તેથી મહારાષ્ટ્રની જનતાએ તેમને પ્રેમ આપ્યો છે અને તેમને 57 બેઠકો આપી છે.
મતલબ કે હિન્દુત્વની તરફેણમાં બાળાસાહેબ ઠાકરેના વિચારો હજુ પણ જીવંત છે. જો કે, હવે તેનું નેતૃત્વ તેના પુત્રો દ્વારા નહીં પરંતુ તેના શિષ્યો દ્વારા કરવામાં આવે છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના માત્ર 20 બેઠકો જીતી શકી.