આ ઓટો ડ્રાઈવર ઓટો ચલાવ્યા વિના કમાય છે મહિનાના 5થી 8 લાખ રૂપિયા, મોટા મોટો MBA થશે ફેલ…

એક ઓટો ડ્રાઈવર આખા મહિનામાં કેટલું કમાઈ લેતો હશે એવો સવાલ કોઈ કરે તો તમારો જવાબ શું હશે? વધુમાં વધુ 25,000થી 30,000 રૂપિયા, બરાબર ને? આવી સ્થિતિમાં હેડિંગ વાંચીને તમને પણ સવાલ થઈ ગયો હશે કે ભાઈ આ ઓટો ડ્રાઈવર મહિનામાં પાંચથી આઠ લાખ રૂપિયાની કમાણી કેવી રીતે કરી લેતો હશે અને એ પણ ઓટો ચલાવ્યા વિના? આ ઓટો ડ્રાઈવરની કમાણીનો આઈડિયા સાંભળીને તો ભલભલા એમબીએ પણ તેની સામે ફેલ થઈ જશે. ચાલો જોઈએ આખરે કઈ રીતે-
સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પણ આ હકીકત છે. મુંબઈના બીકેસી ખાતે આવેલી યુએસ કોન્સ્યુલેટની બહાર ઉભે રહેતો એક ઓટો ડ્રાઈવર મહિનાના પાંચથી આઠ લાખ રૂપિયાની કમાણી કરી લે છે અને એ પણ ઓટો ચલાવ્યા વિના. આ ઈન્સપાયરિંગ સ્ટોરી લિંકેડઈન પર શેર કરવામાં આવી છે રાહુલ રૂપાણી નામના યુઝર દ્વારા. હવે આ સ્ટોરી સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહી છે.
વાઈરલ થઈ રહેલી સ્ટોરીમાં તમે જોશો કે એક ઓટો ડ્રાઈવર કોઈ પણ એપ, ફંડિંગ કે ટેક્નોલોજી વિના માત્ર એક રાઈટ પ્લેસ પર ઊભા રહીને પોતાની સમજદારીથી કામ કરી રહ્યો છે. રાહુલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે હું મારી વિઝા એપોઈન્ટમેન્ટ માટે યુએસ કોન્સ્યુલેટની ઓફિસ પહોંચ્યો તો મને જાણવા મળ્યું કે હું મારી બેગ અંદર નહીં લઈ જઈ શકું કે ન તો ત્યાં કોઈ લોકરની સુવિધા હતી. બસ અહીં સ્ટોરીમાં એક ઓટો ડ્રાઈવરની એન્ટ્રી થઈ અને તેણે મને કહ્યું કે સર બેગ મને આપી દો, હું સાચવીને રાખીશ. મારા માટે આ રોજનું છે અને મારો ચાર્જ 1000 રૂપિયા છે.
ઓટો ડ્રાઈવર આ રીતે જ કોન્સ્યુલેટની બહાર ઊભો રહીને વિઝા માટે આવનારા લોકોને તેમની બેગ સાચવવાની સુવિધા આપે છે. એક દિવસમાં તેને આવા 20થી 30 ગ્રાહકો મળી જાય છે એટલે દિવસના 20થી 30 હજાર રૂપિયાની કમાણી. મહિને દહાડે આ આંકડો પાંચથી આઠ લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે.
હવે આટલી બધી બેગ તો ઓટો રિક્ષામાં સાચવીના રાખી શકાય એમ નથી, એટલે તેણે સ્થાનિક પોલીસ ઓફિસરની સાથે પાર્ટનરશિપ કરી લીધી છે, જેમની પાસે એક લોકર સ્પેસ છે. બેગ ત્યાં જ સુરક્ષિત રાખવામાં આવે છે અને ઓટો માત્ર એક ફનલની જેમ કામ કરે છે.
આ પણ વાંચો – આ વર્ષે રાજ્યમાં દસ કરોડ વૃક્ષો વાવવામાં આવશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત
રાહુલે પોતાની પોસ્ટમાં આગળ જણાવ્યું હતું કે આ છે અસલી એન્ટપ્રેન્યોરશિપ. કોઈ પિચ ડેક નહીં, કોઈ સ્ટાર્ટઅપ બકવાસ નહીં. બસ એક રાઈટ પ્લેસ, એક રાઈટ આઈડિયા અને થોડો ભરોસો. રાહુલે ઓટો ડ્રાઈવરના આ પ્લાનને માસ્ટરક્લાસ ઈન સ્ટ્રીટ બિઝનેસ ગણાવ્યો છે.