ઔરંગઝેબની ‘કબર’ના વિવાદને કારણે વેપારીઓની હાલત કફોડી, પર્યટકોની સંખ્યા ઘટી…

મુંબઈઃ મુગલ શાસક ઔરંગઝેબની કબરને લઈને હાલ વિવાદ ચાલુ છે. ઔરંગઝેબની કબરને તોડી પાડવાની માગણીના કારણે નાગપુરમાં હિંસક હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી જ્યાં ઔરંગઝેબની કબર બનેલી છે, ત્યાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઔરંગઝેબના મકબરાના વિવાદની સીધી અસર કબરની બહાર દુકાનો બનાવીને પોતાનું ગુજરાન ચલાવતા ત્યાંના વ્યાપારીઓ પર પડી રહી છે. દુકાનદારોનું કહેવું છે કે આ વિવાદ બાદ ધંધો ઠપ્પ થઈ ગયો છે.
આ પણ વાંચો : નાગપુરમાં પોલીસ પર થયેલા હુમલા વિશે ભાજપના નિતેશ રાણેએ શું કહ્યું, જાણો?
નાગપુરમાં સ્થિતિ બગડ્યા બાદ ખુલદાબાદમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઔરંગઝેબના મકબરાને હટાવવાની માંગને લઈને સુરક્ષા માટે પોલીસકર્મીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે. પરંતુ, ઔરંગઝેબની કબરની અંદર જવાની પરવાનગી આપવામાં આવી રહી છે.
જોકે, ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે કબર જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આની સૌથી વધુ અસર ત્યાંના વેપારીઓ પર પડી છે. વેપારીઓએ જણાવ્યું હતું કે પહેલા દરરોજ લગભગ 1000-2000 લોકો કબર જોવા આવતા હતા, પરંતુ હવે આ સંખ્યા ઘટીને 100-200 થઈ ગઈ છે.
ખુલદાબાદમાં સમાધિની બહાર હેન્ડીક્રાફ્ટ સામાનની દુકાન ચલાવતા વેપારીએ કહ્યું હતું કે ધંધો સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. જયારે સમાધિથી લગભગ 25 મીટરના અંતરે સ્ટોન જ્વેલરીની દુકાન ચલાવતા મસીઉદ્દીનએ કહ્યું કે ઔરંગઝેબના વિવાદથી તેમના રોજગાર પર માઠી અસર પડી છે. તેમણે કહ્યું હતું કે તેની અસર ઈલોરાના ઘૃષ્ણેશ્વર મંદિર સુધી પહોંચી છે, અમારા સંબંધીઓએ ત્યાં દુકાનો લગાવી દીધી છે અને તેમનો બિઝનેસ પણ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. અમે ખૂબ ચિંતિત છીએ.
મુગલ શાસક ઔરંગઝેબની કબર ઔરંગાબાદ એટલે કે સંભાજીનગરના ખુલદાબાદમાં છે. ઔરંગાબાદનું નામ બદલીને મરાઠા રાજા શિવાજીના પુત્ર સંભાજીના નામ પરથી છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું છે , જે ઔરંગઝેબ સામે લડ્યા હતા અને તેમને ત્રાસ આપીને મારી નાખવામાં આવ્યા હતા. ઔરંગઝેબનું અહમદનગરમાં અવસાન થયું હતું, જેનું નામ બદલીને અહિલ્યાનગર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ‘છાવા’ ફિલ્મ પહેલા પણ આ ફિલ્મને લઈને દેશભરમાં હિંસક પ્રદર્શનો થયા હતા, જાણો લિસ્ટ…
ઔરંગઝેબની કબરને મહત્વનું રાષ્ટ્રીય સ્મારક માનવામાં આવે છે અને તેની સુરક્ષાની જવાબદારી સરકાર પર છે. તેને ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ માનવામાં આવતું હતું અને તે પ્રાચીન સ્મારક અને પુરાતત્વીય સ્થળ અને અવશેષ અધિનિયમ 1958 હેઠળ સુરક્ષિત છે.