Audi Accident: બાવનકુળેના પુત્ર, મિત્રોની બારની મુલાકાતના CCTV ફૂટેજ ગાયબ, DVR જપ્ત

નાગપુર: નાગપુરમાં 9 ઓગસ્ટે અનેક વાહનો સાથે અથડાવાની દુર્ઘટના પહેલા મહારાષ્ટ્ર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના પુત્ર સંકેત અને મિત્રોએ જે બારમાંથી દારૂ અને ખોરાક લીધા હતા એ બારણું સીસીટીવી ફૂટેજ ગાયબ છે અને તપાસના ભાગરૂપે ખાણીપીણીની દુકાનમાંથી ડીવીઆર જપ્ત કરવામાં આવ્યું હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ ગુરુવારે આપી હતી.
સંકેત બાવનકુળેની ઓડી, જે કથિત રીતે તેના મિત્ર અર્જુન હાવરે દ્વારા ચલાવવામાં આવી હતી. સોમવારે વહેલી સવારે રામદાસપેઠમાં આ ઓડીએ અનેક વાહનોને ટક્કર મારતા એક મોપેડ પર સવાર બે વ્યક્તિ ઘાયલ થઈ હતી.
મનકાપુર ટી પોઈન્ટ ખાતે ઓડીનો પીછો કરતા પોલો કારમાં સવાર લોકોએ હાવરે અને રોનિત ચિંતનવારને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. હાવરેની સોમવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન પર (સ્થાનિક પોલીસ સ્ટેશનમાં) મુક્ત કરવામાં આવ્યો હતો. તેઓ લા હોરે બાર (અકસ્માત પહેલાં)માં હતા તે સમયનું સીસીટીવી ફૂટેજ ગાયબ છે.
સીતાબુલડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે બુધવારે ડિજિટલ વીડિયો રેકોર્ડર (ડીવીઆર) જપ્ત કરી ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલ્યું છે.’ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘બારના મેનેજરે મંગળવારે સીસીટીવી ફૂટેજ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો તપાસ ટીમને આપવાનો ઇનકાર કરી દીધો હતો. કાનૂની કાર્યવાહીની ધમકી આપવામાં આવ્યા બાદ બાર મેનેજમેન્ટે નમતું જોખ્યું હતું. જોકે, એમાં રવિવારની રાતથી કોઈ ફૂટેજ નથી. આ દુર્ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.’
(પીટીઆઈ)