હત્યાના પ્રયાસ કેસના આરોપીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું
મુંબઈ: કલ્યાણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હત્યા કેસના આરોપીએ જજ તરફ ચપ્પલ ફેંકવાની ઘટના શનિવારે બની હતી. કલ્યાણ પશ્ચિમના અજમેરા હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં એક મરાઠી યુવક પર થયેલા જીવલેણ હુમલા પ્રકરણે મુખ્ય આરોપી અખિલેશ શુકલા સહિત છ જણને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હતા. આ મુદ્દો મરાઠી વિરુદ્ધ ઉત્તર ભારતીયનો હોઇ કોર્ટમાં કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અતુલ સુભાષને ‘જો પૈસા ન હોય તો પોતાનો જીવ આપ’ કહેનાર જજ રીટા કૌશિકની થશે ધરપકડ
કોર્ટ વિસ્તારમાં મીડિયાની તથા વકીલોની પણ ભીડ હતી. કોર્ટમાં સુનાવણી શરૂ થયા બાદ આરોપી કિરણ ભરમે જજ તરફ ચપ્પલ ફેંક્યું હતું. ભરમ છેલ્લા ચાર વર્ષથી આધારવાડી જેલમાં બંધ છે. તેના વિરોધમાં ખડકપાડા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. ચાર વર્ષ પહેલા તેની પોલીસે ધરુપકડ કરી હતી. કોર્ટે તેને કસ્ટડી ફટકારી ત્યારથી તે જેલમાં જ છે અને તેને જામીન પણ મળ્યા નથી.
શનિવારે ભરમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટે સુનાવણી માટે આગામી તારીખ આપી હતી. ત્યારે ભરમે ‘મારો કેસ પૂરો કરો, મને આઝાદ કરો’ એમ કહેતા જજ તરફ ચપ્પલ ફેંક્યું હતું.