આમચી મુંબઈ

વસઈમાં બાળકોના ‘અપહરણ’નો પ્રયાસ:ગામવાસીઓએ ચારેયને ધીબેડી નાખ્યા…

પાલઘર: વ્યંડળના વેશમાં આવેલા ત્રણ યુવાન સહિત ચાર જણે રિક્ષામાં બાળકોના કથિત અપહરણનો પ્રયાસ કર્યો હોવાની ઘટના વસઈમાં બની હતી. ચેતી ગયેલા બાળકોએ બૂમાબૂમ કરી મૂકતાં દોડી આવેલા ગામવાસીઓએ ચારેયને ફટકારી પોલીસને સોંપ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની બપોરે વસઈ તાલુકાના ખોચિવડે ગામના કુરાનવાડી વિસ્તારમાં બની હતી. ત્રણ છોકરી અને એક છોકરો શાળાથી છૂટી મુખ્ય માર્ગ પરથી ચાલતાં ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે આરોપી તેમની નજીક આવ્યા હતા.

ફરિયાદ અનુસાર ચારેય જણ રિક્ષામાં આવ્યા હતા, જેમાંથી એક રિક્ષા ડ્રાઈવર હતો. બાકીના ત્રણ યુવાન વ્યંડળના વેશમાં હતા. બાળકોને રોક્યા પછી છરીની ધાકે તેમને ધમકાવવામાં આવ્યા હતા. ડરી ગયેલા બાળકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બૂમાબૂમ કરી મૂકી હતી.

બાળકોની મદદ માટેની બૂમો સાંભળી ગામવાસીઓ દોડી આવ્યા હતા. ચારેય શકમંદોને પકડી પાડી તેમને માર મારવામાં આવ્યો હતો. બાદમાં ચારેયને પોલીસના તાબામાં સોંપાયા હતા. પોલીસે અપહરણનો ગુનો નોંધી બાળકો અને આરોપીઓનાં નિવેદન નોંધ્યાં હતાં. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button