ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલો: મનસે જિલ્લાધ્યક્ષ સામે ગુનો, સુરક્ષા મુદ્દે પોલીસ સતર્ક

મુંબઈ: બીડમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) અધ્યક્ષ રાજ ઠાકરેના કાફલા પર સોપારી ફેંકી હુમલો થયો તેનો જવાબ આપવા માટે મનસે કાર્યકર્તાઓએ થાણેમાં ઉદ્ધવ ઠાકરેના કાફલા પર નાળિયેર, બંગડીઓ અને ગોબર ફેંકીને હુમલો કર્યો હતો. આ પ્રકરણે પોલીસે મનસેના થાણે એકમના જિલ્લા અધ્યક્ષ સહિત મનસેના કાર્યકર્તાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
નૌપાડા પોલીસે આ ઘટના બાદ મનસે જિલ્લા અધ્યક્ષ અવિનાશ જાધવ સહિત થાણેના મનસે કાર્યકર્તાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો તેમ જ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અને મનસેના કાર્યકર્તાઓ સામેસામે આવે અને તેમની વચ્ચે અથડામણ થઇ શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને શહેરમાં પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
ઉદ્ધવ ઠાકરે થાણેના ગડકરી રંગાયતન ખાતે સભાને સંબોધવા જઇ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. પાંચથી સાત જણ તેમના કાફલા પર નાળિયેર, બંગડીઓ, ટામેટાં અને ગોબર ફેંકી ત્યાંથી પલાયન કરી ગયા હતા.
આ ઘટનાની જવાબદારી મનસેએ લીધી હતી. અવિનાશ જાધવે સોશિયલ મીડિયા પર પોતાનો લાઇવ વીડિયો મૂકી સંદેશ આપ્યો હતો કે તમે અમારા નેતા રાજ ઠાકરે પર સોપારી ફેંકી તો અમે તમારા પર નાળિયેર ફેંક્યું. હવે પછી રાજ ઠાકરે વિરુદ્ધ કોઇ કંઇ બોલ્યું તો તેને ઘરમાં ઘૂસીને મારવાની ધમકી પણ જાધવે આપી હતી.
આ પણ વાંચો : ‘પક્ષના કાર્યકર્તાઓ મારા વાઘ-નખ છે’ ઉદ્ધવ ઠાકરેએ આ નેતાને અબ્દાલી ગણાવ્યા
આખા મહારાષ્ટ્રમાં થશે થાણેવાળી: મનસેની ચીમકી
સંજય રાઉતે આ ઘટના બાદ કહ્યું હતું કે અંધારાનો ફાયદો ઉઠાવીને અમુક લોકોએ કંઇક ફેંક્યું હતું. આવી નાની ઘટનાઓથી અમને કંઇ ફરક પડતો નથી. રાઉતે આપેલા નિવેદન બાદ જાધવે ચેતવણી આપતા કહ્યું હતું કે શનિવારે થાણેમાં તમારી રાહ જોવાઇ રહી હતી અને હવે પછી આખા મહારાષ્ટ્રમાં મનસેના સૈનિકો તમારી રાહ જોઇને ઊભા રહેશે. રાઉત જો અમને પડકાર ફેંકી રહ્યા છે તો તેમને કહી દઉં કે સમય અને જગ્યા તમે કહો, તમે જ્યાં કહેશો ત્યાં અમે આવીશું