ડ્રગ પેડલર્સને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો: મહિલા કોન્સ્ટેબલ જખમી

થાણે: ભાયંદરમાં ડ્રગ પેડલર્સને પકડવા ગયેલી પોલીસની ટીમ પર 15થી 20 જણે કરેલા હુમલામાં મહિલા કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘવાઈ હતી. આ પ્રકરણે પોલીસે અંદાજે 20 જણ સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં અબ્બાસ અલી મિર્ઝા (38), અંકુર ભારતી (28) અને રાજુ ગૌતમ (19)નો સમાવેશ થાય છે. ફરાર થઈ ગયેલા આરોપીઓના સાથીઓની પોલીસ શોધ ચલાવી રહી છે.
ઉત્તન સાગરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાતે 9 વાગ્યાની આસપાસ ભાયંદર પશ્ર્ચિમના ધાવગી વિસ્તારમાં બની હતી. મળેલી માહિતીને આધારે મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલના અધિકારીઓની ટીમ ડ્રગ પેડલર્સને પકડવા ગઈ હતી.
મહિલા કોન્સ્ટેબલ સહિત પાંચ જણની ટીમ પર બામ્બુથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મહિલા કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘવાઈ હતી. સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 353, 354, 143, 147, 504 અને 506 હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)