મુંબઈમાં ATSના દરોડા, 6 લોકોની ધરપકડ, તમામ દિલ્હી-યુપીના રહેવાસી…
મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસના આતંકવાદ વિરોધી યુનિટ એટીએસે રવિવારે એટલેકે 7 જાન્યુઆરીના રોજ બપોરે મુંબઈના બોરીવલી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ATSના કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર આ લોકો પાસેથી 4 પિસ્તોલ પણ મળી આવી છે. તેમજ આ તમામ લોકો દિલ્હી અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે, એટીએસના જણાવ્યા પ્રમાણે આ તમામ લોકો કોઈ મોટા કાવતરાને અંજામ આપવા મુંબઈ આવ્યા હતા.
આ બાબત અંગે જાણ થતાં જ ATS એ તરતજ કાર્યવાહી કરી હતી. અને ગુપ્ત માહિતી પ્રમાણે જે પણ સ્થળો વિશે માહિતી મળી હતી તે તમામ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતા મહારાષ્ટ્ર ATSએ જણાવ્યું હતું કે મુંબઈના બોરીવલી વિસ્તારમાં સ્થિત એક ગેસ્ટ હાઉસ પર દરોડા પાડીને 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 4 બંદૂક અને 36 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ધરપકડ કરાયેલા તમામ લોકો દિલ્હીના રહેવાસી છે. તેમજ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.