અટલ સેતુ: કૉન્ટ્રેક્ટરને એક કરોડ રૂપિયાનો દંડ, કૉન્ટ્રેક્ટરનો લાયાબિલિટી પિરીયડ એક વર્ષ લંબાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ શિવડી-ન્હાવા શેવા અટલ સેતુ પર રસ્તા પર પડેલા ખાડા અને સપાટી ખરબચડી થઈ જવા માટે કૉન્ટ્રેક્ટરને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
એમએમઆરડીએના એડિશનલ મેટ્રોપોલિટન કમિશનર વિક્રમ કુમારની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કૉન્ટ્રેક્ટરને આગામી પાંચ દિવસમાં રસ્તા પરની સમસ્યાનો નિકાલ લાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. અન્યથા આગામી દિવસોમાં આકરી કાર્યવાહીનો સામનો કૉન્ટ્રેક્ટરને કરવો પડશે એવી ચોખ્ખા શબ્દોમાં તેને ચેતવણી પણ આપવામાં આવી છે.
એમએમઆરડીએ દ્વારા દેવુ-ટાટા ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટ આ કંપનીનો ડિફેક્ટ લાયાબિલિટી પિરીયડ જાન્યુઆરી ૨૦૨૬માં પૂરી થવાનો હતો, તેને હવે જાન્યુઆરી ૨૦૨૭ સુધી લંબાવવામાં આવ્યો છે. સાથે જ આગામી પાંચ દિવસમાં રસ્તાના પરના ખાડાને પૂરીને રસ્તો સમથળ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો: અટલ સેતુ પર ટ્રક સાથે કાર ટકરાઇ: મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના પતિનું મૃત્યુ
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ ૨૧.૮ કિલોમીટર લાંબો અને ૧૭,૮૪૦ કરોડ રૂપિયાનો ખર્ચે બનેલો છે, જેનું ઉદ્ઘાટન ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ના કરવામાં આવ્યું હતું.
ગુરુવારે સવારના અટલસેતુ પરના ખાડા સાથેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ફરી વળ્યો હતો. મોટી સંખ્યામાં નાગરિકોએ એમએમઆરડીએની ટીકા કરી હતી. એ બાદ જાગેલી એમએમઆરડીએ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ચાલુ ચોમાસા દરમ્યાન અટલ સેતુના કેટલા ભાગોમાં નવી મુંબઈ જતા રોડ પર ૧૧ ,૧૫ અને ૧૬ કિલોમીટર નજીક સપાટી પર ખાડા પડી ગયા હતા. મોટા ભાગે ભારે વરસાદ અને સતત ટ્રાફિકને કારણે રસ્તાની આવી સ્થિતી નિર્માણ થઈ છે.
એમએમઆરડીએ તાત્કાલિક ઉપાયાત્મક પગલા શરૂ કર્યા છે. ફક્ત નાના સ્થળોનું સમારકામ કરવાને બદલે લાંબા સતત પટ્ટાઓને બિટ્યુમેનથી રિસરફેસ કરવામાં આવી રહ્યા છે, જેથી એકરૂપતા જાળવી શકાય.