સાત મહિનામાં ૫૦ લાખ વાહનોએ અટલ સેતુ પરથી પ્રવાસ કર્યો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ લોકાર્પણ કરવામાં આવેલા ભારતના સૌથી લાંબા અટલ સેતુને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારથી અત્યાર સુધી તેના પરથી ૫૦ લાખ વાહનો પસાર થયા છે.
દક્ષિણ મુંબઈને નવી મુંબઈ, પનવેલ અને પુણે શહેર સાથે વધુ નજીક લાવનારો અને ભારતના સૌથી લાંબા પુલ તરીકે ઓળખાતા અટલ સેતુને ૧૩ જાન્યુઆરી, ૨૦૨૪ના વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારથી ૨૫ ઑગસ્ટ, ૨૦૨૪ સુધીના સાત મહિનાના સમયગાળામાં ૫૦,૦૪,૩૫૦ વાહનોને તેનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો : Bullet Train અંગે જાણો નવી અપડેટ, સિલ્વાસામાં સ્ટીલનો પુલ લોન્ચ કરાયો
અટલ સેતુને કારણે દક્ષિણ મુંબઈથી પનવેલ, પુણે અને નવી મુંબઈ દરમિયાનના પ્રવાસના સમયમાં અડઘા કલાકની બચત થયા છે. બેસ્ટ, એનએમએમટી બસ તેમ જ સ્ટેટ ટ્રાન્સપોર્ટની શિવનેરી બસ તેમ જ અન્ય ખાનગી અને કમર્શિયલ વાહનો અટલસેતુનો નિયમિત ઉપયોગ કરે છે.
આ દરમિયાન વરલી-શિવડી એલિવેટેડ રોડનું લગભગ ૭૫ ટકા પૂરું થઈ ગયું હોવાથી ત્યારબાદ વરલી સી-ફેસ પરથી અટલ સેતુ પર પાંચથી ૧૦ મિનિટમાં પહોંચી શકાશે. એ સિવાય ચિરલે ઈંટરચેેંજથી મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે દરમિયાન એલિવેટેડ રોડનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે. આ તમામ પ્રોજેક્ટનું કામ પૂરું થયા બાદ દક્ષિણ મુંબઈ અને મુંબઈના પશ્ર્ચિમ ઉપનગરથી નવી મુંબઈ, પનવેલ, પુણે અને મુંબઈ-ગોવા એક્સપ્રેસ પરનો ટ્રાફિક ઝડપી થશે.
અટલ સેતુ દક્ષિણ મુંબઈને નવી મુંબઈના ઈન્ટરનેશલ ઍરપોર્ટ સાથે જોડે છે. દક્ષિણ મુંબઈના પ્રવાસીઓ ઝડપથી નવી મુંબઈના ઍરપોર્ટ પર પહોંચી શકશે.