મુંબઈ એરપોર્ટ પર રૂ. પંદર કરોડના કોકેઇન સાથે વિદેશી મહિલા પકડાઇ
હેર કન્ડિશનર-બોડી વૉશની બોટલમાં છુપાવીને ડ્રગ્સ લવાયું હતું

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર રૂ. પંદર કરોડના ડ્રગ્સ સાથે વિદેશી મહિલાની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સ મહિલા હેર કન્ડિશનર અને બોડી વૉશની બોટલમાં છુપાવીને લાવી હતી.
ડીઆરઆઇના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે ગુરુવારે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છટકું ગોઠવ્યું હતું અને નાઇરોબીથી આવેલી મહિલાને આંતરી હતી.
મહિલાના સામાનની તલાશી લેવામાં આવતાં હેર કન્ડિશનર અને બોડી વૉશની બોટલમાં છુપાવેલા બે પેકેટ મળી આવ્યા હતા, જેમાં રૂ. પંદર કરોડની કિંમતનું 1,490 ગ્રામ કોકેઇન હતું.
દરમિયાન કોકેઇન જપ્ત કર્યા બાદ મહિલા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાને બાદમાં કોર્ટમાં હાજર કરવામાં આવી હતી, જ્યાં મેજિસ્ટ્રેટે તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. મહિલા ડ્રગ્સ કોને આપવા માટે લાવી હતી, જેની તપાસ કરાઇ રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે સિએરા લિયોનથી આવ્યા બાદ મુંબઈ એરપોર્ટ નજીકની એક હોટેલમાં રોકાયેલા બાલા વેંકટ નાયડુ નામના ભારતીય નાગરિક પાસેથી ડીઆરઆઇએ રૂ. 40 કરોડનું કોકેઇન પકડી પાડ્યું હતું.