મહારાષ્ટ્રનાં મતદાન કેન્દ્ર પર મતદારોને હાલાકી મતદાન અટકાવી અધિકારીઓ નાસ્તો કરવા બેઠા
મુંબઈ: યવતમાળ-વાશીમ લોકસભા મતદારસંઘમાં શુક્રવારે મતદાન ચાલી રહ્યું હતું એ જ સમયે મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મતદાન ચાલી રહ્યું હતું એ જ સમયે કેન્દ્રના અધ્યક્ષ અને કર્મચારીઓએ નાસ્તો કરવા માટે મતદાનને થંભાવી દીધું હતું, જેને કારણે મતદારોએ ગરમીમાં ખાસ્સો સમય માટે ઊભું રહેવું પડ્યું હતું.
મતદાન એ રાષ્ટ્રીય કર્તવ્ય છે. મતદાન ચાલી રહ્યું હોય ત્યારે કોઇ પણ પ્રકારની અડચણ આવે નહીં એનું ધ્યાન રાખવું પડતું હોય છે. મતદાન રોકીને અધિકારી, કર્મચારીએ કોઇ પણ અન્ય કાર્ય કરવું ન જોઇએ. નાસ્તો કે પછી ભોજન સુદ્ધાં મતદાન રોક્યા વિના કરવું જોઇએ, એવી સૂચના આપવામાં આવી છે. જોકે હિરવી ખાતેની સ્કૂલના કેન્દ્ર પર રૂમ નંબર ચાર ખાતે મતદાન માટે નાગરિકો લાઈનમાં ઊભા હતા ત્યારે મતદાન રૂમના ચાર અધિકારી, કર્મચારીઓ નાસ્તો કરવા માટે સાથે બેઠા હતા. બપોરે બે વાગ્યે આવી પ્રવૃત્તિ ચાલી હતી અને અંદાજે ૨૦ મિનિટ સુધી મતદાન રોકવામાં આવ્યું હતું.
મતદારોએ બૂમાબૂમ શરૂ કરતાં અધિકારી અને કર્મચારીઓની પંગતનો વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. મતદાન કેન્દ્ર પર તહેનાત સુરક્ષારક્ષકોને પણ નાગરિકોએ જાણ કરીને ફરિયાદ કરી હતી. આ પ્રકરણે યવતમાળ ખાતે ચૂંટણી નિર્ણય અધિકારી તથા તહેસીલદાર યોગેશ દેશમુખને સવાલ કરવામાં આવ્યો હતો. જોકે તમામ બાબતોથી પરિચિત કરાયા બાદ દેશમુખે જણાવ્યું હતું કે બાદમાં અહીં મતદાન શાંતિપૂર્વક અને સરળ રીતે પાર પડ્યું હતું. દરમિયાન નાગરિકોએ અધિકારી અને કર્મચારીઓ પર કાર્યવાહી કરવાની માગણી કરી હતી.