આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિધાનસભાની ચૂંટણી સ્વબળે અને સાથીપક્ષોની મદદથી જ જીતાશે: ભાજપ

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2024)ને ચાર કરતાં ઓછા મહિના બાકી છે ત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને દ્વારા રણનીતિ ઘડવાની, બેઠકોની વહેંચણીની ચર્ચા વગેરે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જોકે, મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી દરમિયાન નબળો દેખાવ કરનારી ‘મહાયુતિ’ માટે ભાજપ દ્વારા યોજના તૈયાર કરવામાં આવી છે અને તે યોજના પોતાના અને સાથી પક્ષોના બળે જ ચૂંટણી જીતવાની છે.

શિંદે જૂથની શિવસેના અને અજિત પવાર જૂથની એનસીપી સાથે મળીને જ વિધાનસભાની ચૂંટણી જીતવાનો ભાજપનો દાવ છે. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ખરાબ દેખાવ માટે મહાયુતિના અમુક નેતાઓ એકબીજા પર દોષ ઢોળી રહ્યા છે ત્યારે વિધાનસભાની ચૂંટણી એકસાથે મળીને જ જીતવાની રણનીતિ ભાજપની છે.

આ પણ વાંચો : મુલાકાતીઓ માટે વિધાન ભવનમાં સમય મર્યાદા સત્ર દરમિયાન અઠવાડિયામાં ફક્ત બે દિવસની પરવાનગી

હાલમાં જ મહારાષ્ટ્રનું બજેટ રજૂ કરવામાં આવ્યું જે સર્વસામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું હતું. હવે આ બજેટમાં જાહેર કરવામાં આવેલી યોજનાઓ સર્વસામાન્ય લોકો સુધી પહોંચે એ માટે 10 જુલાઇ સુધી એક અભિયાન સાથી પક્ષોની મદદથી ચલાવવામાં આવશે. આ માટે શનિવારે યોજવામાં આવેલી ભાજપની કેન્દ્રીય સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સિવાય બેઠકોની વહેંચણી અંગે મહાયુતિમાં વિવાદ ઊભો ન થાય તેમ જ લોકસભાની ચૂંટણીમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય એ માટે કેન્દ્રીય સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જનતાનો આશીર્વાદ ભાજપ સાથે હોઇ વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને જરૂર જીત મળશે, તેવી આશા ભાજપના મુંબઇ અધ્યક્ષ આશિષ શેલારે વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર મુલાકાતે આવવાનું નક્કી કર્યું છે. તે 13 જુલાઇના રોજ ઉચ્ચ પદાધિકારીઓ સાથે બેઠક યોજશે અને 14 જુલાઇએ પુણેમાં વિસ્તારિત કાર્યસમિતિ સાથે બેઠક યોજશે જ્યાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button