Assembly Election: પરિણાણો અંગે છગન ભુજબળે કર્યો મોટો દાવો પણ યોગીના નારાથી રાખ્યું અંતર, જાણો કેમ?

મુંબઈ/યેવલા: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2024) માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટેંગે’નો નારો ‘મહાયુતિ’ માટે વિવાદનું કારણ બન્યો છે. અગાઉ એનસીપીના નેતા અજિત પવારે પોતાનું સ્ટેન્ડ જાહેર કરીને યોગીના નારાને સમર્થન આપ્યું નહોતું, ત્યાર બાદ હવે પક્ષના વરિષ્ઠ નેતા છગન ભુજબળે પણ અંતર રાખ્યું છે.
અજિત પવારની એનસીપી સાથે જોડાયેલા વરિષ્ઠ ઓબીસી નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળે ભાજપના ‘બટેંગે તો કટેંગે’ના ચૂંટણી પ્રચારના કિમયાથી પોતાની જાતને અળગી કરી લીધી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે મહાયુતિ સરકાર સારી બહુમતી સાથે સત્તા જાળવી રાખશે.
નાશિક જિલ્લાના યેવલામાં ભુજબળે એવો પણ દાવો કર્યો હતો કે મનોજ જરાંગે પાટીલની આગેવાની હેઠળના મરાઠા આરક્ષણ આંદોલનની યેવલા અને મનમાડ-નંદગાંવ મતવિસ્તારોમાં ચૂંટણીના પરિણામ પર કોઈ અસર નહીં પડે.
ભુજબળ યેવલા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. તેમનો ભત્રીજો સમીર ભુજબળ મનમાડ – નંદગાંવ વિધાનસભા ક્ષેત્રનો ઉમેદવાર છે. છગન ભુજબળએ જણાવ્યું હતું કે ‘મરાઠા કાર્યકર્તાએ (જરાંગેએ) શનિવારે સવારે યેવલાની મુલાકાત લીધી હતી અને એક સભાને સંબોધન કરી મારી જાહેર સભાઓમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી મધરાત પછી પાછો ફર્યો હતો. વાંધો નહીં. હું મારા મતવિસ્તારને સારી રીતે જાણું છું. તેની બહુ અસર નહીં થાય.’
આ પણ વાંચો : દિલ્હીમાં AAPના આ મંત્રીઓ કરી ચૂક્યા છે બળવો, જાણો વિધાનસભા ચૂંટણી પર શું થશે અસર
ભુજબળને વિશ્વાસ છે કે આ ક્ષેત્રમાં તેમના દ્વારા હાથ ધરવામાં આવેલા અનેક વિકાસ પ્રોજેક્ટ ચૂંટણીમાં તેમના વિજયની સંભાવના મજબૂત બનાવશે. જોકે, તેમણે અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને ભાજપના ‘બેટેંગે તો કટેંગે’ સૂત્રોચ્ચારથી અલગ કરી દીધી હતી.
તેમનું કહેવું હતું કે ‘અમારે કે અમારા પક્ષને આ સૂત્રો સાથે કોઈ લેવાદેવા નથી. મને ફક્ત વિકાસ કાર્યમાં જ રસ છે. અજિત પવારની અધ્યક્ષતાવાળી એનસીપી ભેદભાવ વિના તમામ સમુદાયોને ન્યાય આપવામાં માને છે. મારા મતવિસ્તારમાં હિન્દુ, મુસ્લિમ, દલિત, આદિવાસી અને મરાઠા વગેરે છે. અમે કોઈ પણ સમુદાય સાથે ભેદભાવ રાખતા નથી. વિકાસ એ અમારો એક માત્ર એજન્ડા છે.’
(પીટીઆઈ)