Assembly Election: મહારાષ્ટ્રમાં આ તારીખે યોજવામાં આવશે ચૂંટણી, સસ્પેન્સ ખતમ…
મુંબઈઃ દેશમાં લોકસભાની ચૂંટણી પછી હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા પછી હવે આજે ભારતીય ચૂંટણી પંચે (Election Commission) દેશના મહત્ત્વના બે રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાની એક તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે, જ્યારે મતદાનની તારીખ 20મી નવેમ્બરના બુધવારે રહેશે, જ્યારે 23મી નવેમ્બરના શનિવારે મતગણતરી હાથ ધરવામાં આવશે, એમ ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું.
ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં આ વખતે 9.63 કરોડ મતદાર હશે, જેમાં પાંચ કરોડ પુરુષનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં દરેક બૂથ પર લગભગ 960 મતદાર રહેશે, જ્યારે એક લાખ પોલિંગ બુથ પર મતદાન કરવામાં આવશે. ઝારખંડમાં 29,526 મતકેન્દ્ર રાખવામાં આવ્યા છે. ઝારખંડમાં 1.31 કરોડ મતદાદર છે, જ્યારે 1.29 કરોડ મહિલા મતદાર રહેશે. 2019માં મહારાષ્ટ્રમાં એક તબક્કામાં અને ઝારખંડમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવી હતી.
મહારાષ્ટ્રની 288 બેઠકવાળી વિધાનસભા માટે 145 બેઠક જીતનારી યા બહુમતી મેળવનારી પાર્ટી સરકાર બનાવશે. જોકે, બે વર્ષ પહેલા હિંદુત્વ અને વિકાસનો મુદ્દા પર એકનાથ શિંદે અને અજિત પવારે બળવો કરીને ભાજના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં નવી સરકારનું ગઠન કર્યું હતું.
ચૂંટણીની જાહેરાત પૂ્ર્વે મહારાષ્ટ્ર સરકારે એક કરતા અનેક પ્રકલ્પો પર મંજૂરીની મહોર મારી હતી. કોસ્ટલ રોડ, સમૃદ્ધિ કોરિડોર, મુંબઈ મેટ્રો, નવી મુંબઈ એરપોર્ટ વગેરે પ્રકલ્પોને લઈ મહાયુતિ મતદારોને રિઝવવાની યોજના ઘડી હતી. આ ઉપરાંત, લોકસભામાં એકનાથ શિંદેની પાર્ટીને નવ સીટ અને વધતી લોકપ્રિયતા મહાયુતિ માટે વરદાન સાબિત થાય તો નવાઈ નહીં, એમ સૂત્રોએ જણાવ્યું હતું.