Assembly Election: આ વખતની ચૂંટણીમાં પણ ‘રાજકીય પરિવારવાદ’ની બોલબાલા
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (2024)માં રાજકીય પરિવારનો દબદબો આ વખતની ચૂંટણીમાં પણ યથાવત રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક નવા ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ પરિવારવાદની ઝલક જોવા મળે છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જેવી મોટી દિગ્ગજ પાર્ટીએ પણ પોતાના જૂના ઉમેદવારોને રિપિટ કરવાની સાથે પોતાના પરિવારના સભ્યોમાંથી દીકરો-દીકરી કે સંબંધીને ટિકિટ આપી છે.
અલબત્ત, આ વખતે વિધાનસભાની ચૂંટણી (2024)માં ફરી એક વાર રાજકીય પરિવારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. મોટા ભાગના ઉમેદવારોમાં રાજકીય પરિવાર સાથે કનેક્શન ધરાવે છે, જેમાં ભાજપ જેવી મોટી પાર્ટીની સાથે નાની નાની પાર્ટી પણ તેમાંથી બાકાત નથી.
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે નવા ઉમેદવારોની ચૂંટણી લડવાની યોગ્યતા રાજકીય સંબંધ માનવામાં આવે છે. એટલે જે ઉમેદવારોની પાસે પહેલાથી એક મોટો સમર્થક વર્ગ અને મંચ પણ તૈયાર છે, જે વિધાનસભા સુધી પહોંચવા માટે મદદ કરી શકે છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બળવાખોરોને મનાવવા નેતાઓનો ઓવરટાઈમ
ઠાકરે, પવાર જ નહીં, પાટીલ અને ચવ્હાણ પરિવારનો દબદબો
આ વખતની ચૂંટણીમાં નસીબ અજમાવી રહ્યા છે, જેમાં મુખ્ય શરદ પવારના પરિવારનું નામ લેવામાં આવે છે. શરદ પવારના પૌત્ર યુગેન્દ્ર પવાર, દિવગંત આર. આર. પાટીલના પુત્ર રોહિત પાટીલ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેના દીકરો અમિત ઠાકરે, ભાજપના રાજ્યસભાના મેમ્બર અશોક ચવ્હાણની દીકરી શ્રીજયાનું નામ મોખરે છે.
ડાબેરી વિચારધારા ધરાવનારી મજદૂર પાર્ટી પણ એનાથી પાછળ નથી. દિવંગત ગણપતરાવ દેશમુખના પૌત્ર અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલની વહૂ ચિત્રલેખા પણ ચૂંટણીના મેદાનમાં છે.
દીકરીઓ પણ પિતાના પગલે પગલે…
અમુક રાજકારણીઓની દીકરીઓ પણ પિતાને પગલે પગલે ચાલી રહી છે જેમ કે કોલ્હાપુરના શાહી પરિવારના સભ્ય અને પૂર્વ પ્રધાન દિવંગત દિગ્વિજય ખાનવિલકરની દીકરી માધુરીરાજે છત્રપતિ છે.
તેઓ કોલ્હાપુર ઉત્તરથી ચૂંટણીની શરુઆત કરે છે. ખાનવિલકર 2004 સુધી કરવીરથી પાંચ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે. આવું જ બીજું ઉદાહરણ એ છે પૂર્વ સાંસદ રાવસાહેબ દાનવેની દીકરી સંજના જાધવ પણ મેદાનમાં છે. કન્નડથી શિવસેનાની ટિકિટ પરથી પહેલી વખત ચૂંટણીના મેદાનમાં છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તા માટે પારિવારિક સંઘર્ષ…
2019ની ચૂંટણીમાં ચમકેલા નેતાઓની મળી તક
2019ની વિધાનસભાની ચૂંટણીમાં આદિત્ય ઠાકરે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) રોહિત પવાર, કોંગ્રેસના ઋતુરાજ પાટીલ, અજિત પવારની એનસીપીએ ઝિશાન સિદ્દીકી, કોંગ્રેસના ધીરજ દેશમુખ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાંથી અદિત તટકરેને સફળતા મળી હતી, ત્યાર બાદ આદિત્ય ઠાકરે અને તટકરેને પહેલા કાર્યકાળમાં પણ સમાવ્યા હતા.
મોટા ભાગના દિગ્ગજ નેતાઓ રાજકીય પરિવારના
મહારાષ્ટ્રમાં આજની તારીખે મોટા ભાગના દિગ્ગજ નેતાઓ રાજકીય પરિવારો સાથે સંબંધ ધરાવે છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને પારિવારિક વારસો મળ્યો છે. પૂર્વ વિધાનસભ્ય ગંગાધર ફડણવીસના દીકરા દેવેન્દ્ર ફડણવીસ છે, જે દાયકાઓથી મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચામાં છે.
એ જ રીતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ કાકા શરદ પવારના માર્ગદર્શનમાં 32 વર્ષની ઉંમરે સાંસદ બન્યા હતા. શરદચંદ્ર પવાર (એસપી)ની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ પૂર્વ મંત્રી દિવંગત રાજારામબાપુ પાટીલના દીકરા છે. 1990માં 28 વર્ષની ઉંમરે વિધાનસભ્ય બન્યા હતા, જ્યારે કોંગ્રેસના પૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ 40 વર્ષના હતા ત્યારે કરાડ લોકસભાની સીટ પરથી જીત મેળવી હતી.