Assembly Election: રાહુલ ગાંધી આવતીકાલથી મહારાષ્ટ્રમાં, ચૂંટણી પ્રચારનો કરશે આરંભ
મુંબઈઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાતે આવશે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ પૂરી થયા બાદ રાહુલ ગાંધી રાજ્યમાં ચૂંટણી પ્રચારની ઔપચારિક શરૂઆત કરશે. મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીની સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેશે.
લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને આરએસએસના ગઢ ગણાતા નાગપુરથી પ્રવાસની શરૂઆત કરશે. રાહુલ ગાંધી નાગપુરમાં ‘સંવિધાન સન્માન સંમેલન’ અને પછી સાંજે મુંબઈના બીકેસીમાં મહા વિકાસ આઘાડી (એમવીએ)ની ‘મહારાષ્ટ્ર સ્વાભિમાન સભા’ને સંબોધિત કરશે.
મુંબઈમાં શરદ પવારની હાજરીમાં બીકેસીમાં મળનારી બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી કોંગ્રેસની ‘ગેરંટી’ જાહેર કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે બપોરે ૧ વાગ્યે નાગપુર પહોંચશે.
આપણ વાંચો: રાહુલ ગાંધીનું ‘સંવિધાન સંમેલન’ માત્ર ‘ડ્રામા’: ફડણવીસ
આ મુદ્દે મહારાષ્ટ્ર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે એમવીએની ‘મહારાષ્ટ્ર સ્વાભિમાન સભા’ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના એમએમઆરડીએ મેદાનમાં સાંજે ૫ વાગ્યે યોજાશે.
જેમાં રાહુલ ગાંધી વિધાનસભા માટે કોંગ્રેસ પાર્ટીની ગેરન્ટી જાહેર કરશે. કોંગ્રેસ પાર્ટીની આ ગેરંટી મહારાષ્ટ્રના દરેક ઘર સુધી પહોંચાડશે અને મહાયુતિના ભ્રષ્ટ વ્યવહારો વિશે લોકોને જાગૃત કરશે, જ્યારે રાજ્ય સરકારની નીતિ અંગે લોકોને વાકેફ કરાવશે.
આ ઉપરાંત, ભાજપના ફેક નેરેટિવનો પણ સ્પષ્ટ જવાબ આપવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્રમાં ૧૦૦થી વધુ સીટો પર ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ૧૩ બેઠકો જીતી હતી. રાહુલ ગાંધીનો મુંબઈ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.