BJP માટે મુશ્કેલ બની રહ્યું છે મહારાષ્ટ્રમાં સીટ- શેરિંગનું ગણિત, પવાર- શિંદે જૂથે વધાર્યું દબાણ

મુંબઈ : મહારાષ્ટ્રમાં(Maharashtra) આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે સત્તાધારી ગઠબંધનમાં વિધાનસભા સીટની વહેંચણી અંગે હજુ સુધી સત્તાવાર રીતે વાતચીત શરૂ થઈ નથી. જો કે ભાજપ (BJP)અને સાથી પક્ષો વચ્ચે બેઠકો માટે જંગ શરૂ થયો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટો છે. જો આપણે એનડીએમાં સાથી પક્ષોની માંગણીઓ પર નજર કરીએ તો આ ગણિત ઉકેલવું સરળ લાગતું નથી.
સાથી પક્ષો વચ્ચે વાતચીતનો રાઉન્ડ શરૂ થવાનો છે
જેમાં મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ભાજપ ઓછામાં ઓછી 150 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના ઓછામાં ઓછી 100 બેઠકો ઈચ્છે છે. તેમજ નાયબ મુખ્યમંત્રી અજિત પવારની એનસીપી ઓછામાં ઓછી 80 બેઠકો ઈચ્છે છે. જો આપણે લઘુત્તમ આંકડાઓને એકસાથે ઉમેરીએ તો આ સંખ્યા વિધાનસભાની કુલ સંખ્યા કરતા 40 વધુ છે. આ કારણે સાથી પક્ષો વચ્ચે વાતચીતનો રાઉન્ડ શરૂ થવાનો છે.
ભાજપ માટે મહારાષ્ટ્રમાં સાથી પક્ષોને સાથે રાખવા મહત્વપૂર્ણ
ભાજપ માટે મહારાષ્ટ્રમાં સાથી પક્ષોને સાથે રાખવા પણ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે લોકસભા ચૂંટણીમાં ભાજપ ને સાથી પક્ષોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. જેમાં 48માંથી માત્ર 17 બેઠકો જ જીતી શકી હતી. જ્યારે મહા વિકાસ આઘાડીને 30 બેઠકો પર જીત મળી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે ચૂંટણી માટે સીટની વહેંચણીને લઈને મતભેદોએ NDAના ખરાબ પ્રદર્શનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અજિત પવાર પર નેતાઓનું દબાણ
સૂત્રોએ જણાવ્યું હતું કે અજિત પવાર અને ભાજપના સાથી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે નવી દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા અને બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે જુનિયર પવાર પર તેમની પાર્ટીના નેતાઓનું દબાણ છે કે તેઓ 80-90થી ઓછી બેઠકો પર સમાધાન ન કરે. તેઓ દલીલ કરે છે કે તેઓએ 2019ની વિધાનસભા ચૂંટણીમાં અવિભાજિત એનસીપીએ જીતેલી તમામ 54 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ. શરદ પવારના નેતૃત્વમાં અવિભાજિત NCPએ 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને 120થી વધુ બેઠકો પર ચૂંટણી લડી હતી.
શરદ પવારના જૂથે આઠ બેઠકો જીતી હતી
શાસક ગઠબંધનના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે અજિત પવાર જૂથ જાણે છે કે તે મુશ્કેલ પરિસ્થિતિમાં છે. લોકસભા ચૂંટણીમાં શરદ પવારના જૂથે આઠ બેઠકો જીતી હતી. જ્યારે તેમને માત્ર એક જ લોકસભા બેઠક પર સફળતા મળી. બારામતી બેઠક પણ હારી ગયા છે. અહીં અજિત પવારે તેમની પત્ની સુનેત્રાને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સામે મુકીને તેને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો હતો.