આમચી મુંબઈ

વિનયભંગના કેસના આરોપીનો ઍરપોર્ટ પર આપઘાતનો પ્રયાસ

મુંબઈ: દુબઈથી આવેલા વિનયભંગના કેસના આરોપીએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી વિરુદ્ધ કર્ણાટકમાં વિનયભંગનો ગુનો નોંધાયેલો હતો અને તેની સામે લૂટ આઉટ નોટિસ જારી કરાઈ હતી.

સહાર પોલીસે ઍરપોર્ટના ઈમિગ્રેશન અધિકારીની ફરિયાદને આધારે આરોપી મોહમ્મદ આફરીદ (24) વિરુદ્ધ આત્મહત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધ્યો હતો.

ફરિયાદ અનુસાર ઘટના ત્રીજી જૂને બની હતી. ફ્લાઈટમાં દુબઈથી આવેલા મોહમ્મદ આફરીદને ફરજ પર હાજર મહિલા અધિકારીએ રોક્યો હતો. કર્ણાટકના સિદ્ધપુરા પોલીસ સ્ટેશનમાં આફરીદ વિરુદ્ધ વિનયભંગનો ગુનો નોંધાયેલો છે અને પોલીસ તેની શોધ ચલાવી રહી હતી. આફરીદ વિદેશમાં હોવાની માહિતી મળતાં કોડાગુ જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે તેની વિરુદ્ધ લૂક આઉટ નોટિસ બજાવી હતી.

દસ્તાવેજોની ચકાસણીમાં આફરીદ આરોપી હોવાની ખાતરી થતાં તેને ઈમિગ્રેશન વિંગ ઈન્ચાર્જની ઑફિસમાં બેસાડવામાં આવ્યો હતો. આફરીદને સહાર પોલીસના તાબામાં સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે તેણે તીક્ષ્ણ વસ્તુથી પોતાના ડાબા હાથની નસ કાપી લીધી હતી.

જખમી આફરીદને પ્રાથમિક સારવાર પછી કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ પ્રકરણે સહાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button