અશોક ચવ્હાણ રાજ્યસભામાં આવે તે સૈનિકોનું અપમાન: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા છે અને તેમને રાજ્યસભામાં સાંસદ બનાવવામાં આવે એવી ચર્ચા છે. આ ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ અશોક ચવ્હાણ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જો ભાજપ અશોક ચવ્હાણને રાજ્યસભામાં મોકલશે તો તે આપણા શહીદ જવાનોનું અપમાન ગણાશે.
આદર્શ કૌભાંડ યાદ અપાવતા ઉદ્ધવે આ રીતે અશોક ચવ્હાણ અને ભાજપ પર પ્રહાર કર્યો હતો. છત્રપતિ સંભાજીનગરમાં એક રેલીને સંબોધતા ઉદ્ધવે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ પહેલા નાંદેડ ગયા હતા અને અશોક ચવ્હાણ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર વિશે નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચવ્હાણે શહીદ જવાનોનું અપમાન કર્યું છે.
ઉદ્ધવે વધુમાં કહ્યું હતું કે જો વડા પ્રધાન ચવ્હાણને રાજ્યસભામાં મોકલશે તો તે આપણા શહીદ જવાનોનું અપમાન ગણાશે. ભૂતકાળમાં ફડણવીસે ચવ્હાણને તે લીડર નહીં, પરંતુ ડીલર છે, એમ કહીને તેમની ટીકા કરી હતી. તેમણે આદર્શ કૌભાંડને શહીદોનું અપમાન ગણાવ્યું હતું અને હવે હું એ જાણવા માંગુ છું કે શું વડા પ્રધાન જે વ્યક્તિએ સૈનિકો અને તેમના કુટુંબનું અપમાન કર્યું તેને રાજ્યસભામાં મોકલાવશે?