આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને આંચકો, સારવાર માટે મહારાષ્ટ્ર જવાની મંજૂરી નહીં મળી

મુંબઇઃ બળાત્કારના કેસમાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ જાતે બની બેઠેલા બાબા આસારામને હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે આસારામને સારવાર માટે મહારાષ્ટ્ર મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. હોસ્પિટલ તરફથી રિપોર્ટ મળ્યા બાદ હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે. આસારામે મહારાષ્ટ્રના પુણેની માધવબાગ હોસ્પિટલમાં આયુર્વેદ સારવારની પરવાનગી માટે અરજી કરી હતી. રાજસ્થાન હાઈકોર્ટે આ અંગે હોસ્પિટલનો રિપોર્ટ માંગ્યો હતો અને મહારાષ્ટ્ર પોલીસ પાસે પણ જવાબ માગ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસના નકારાત્મક જવાબ બાદ હાઈકોર્ટે આસારામની અરજી ફગાવી દીધી છે.
આ સંદર્ભમાં મહારાષ્ટ્ર પોલીસે પણ કહ્યું હતું કે સુરક્ષાને ટાંકીને આસારામને સારવારની મંજૂરી આપવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં આસારામની સારવાર હવે જોધપુરની કરવડ હોસ્પિટલમાં જ થઈ શકશે. આ મામલે ગુરુવારે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થશે. નોંધનીય છે કે 2018માં જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે આસારામને બળાત્કાર સહિત જાતીય સતામણીનો દોષી ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ 2 સપ્ટેમ્બર 2013થી જેલમાં છે. સગીરાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ, 2013ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મનાઈ સ્થિત પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો.
ALSO READ: https://bombaysamachar.com/gujarat/teachers-asaram-photo-valentine-s-day-notice/
આસારામ બાપુ બળાત્કાર કેસમાં 11 વર્ષની જેલની સજા ભોગવી ચૂક્યા છે. જો કે, આ સમયગાળા દરમિયાન તેમણે કેસને ડિસમિસ કરાવવા અને જામીન મેળવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા છે. તેમણે અત્યાર સુધીમાં જોધપુર કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં 15થી વધુ જામીન અરજીઓ દાખલ કરી છે.