ઓપરેશન સિંદૂર પછી પણ સરકાર ચીની કંપનીઓને આમંત્રણ આપે છે: ઓવૈસીએ કેન્દ્ર પર તાક્યું નિશાન

મુંબઈ/જાલના: એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ આજે શાસક ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની રાષ્ટ્રવાદી ઓળખ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને કેન્દ્ર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ઓપરેશન સિંદૂર પછી પણ ચીની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપી રહ્યા છે અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલ વારંવારના અપમાનનો જવાબ આપવામાં સરકાર નિષ્ફળ રહી છે. ઓવૈસીના આ આરોપો પર અત્યાર સુધી સરકાર કે ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ઓવૈસીએ આરોપ લગાવ્યો હતો કે પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપવા માટે ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને પાકિસ્તાનને શસ્ત્રો પૂરા પાડ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના લગભગ ૮૦ ટકા લશ્કરી સાધનો ચીન પાસેથી લેવામાં આવે છે. “આમ છતાં, ભારત સરકાર ચીની કંપનીઓને દેશમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપી રહી છે,” તેમણે કહ્યું.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે યુએસ પ્રમુખ ટ્રમ્પ વારંવાર ભારતનું અપમાન અને મજાક ઉડાવી રહ્યા છે તેમ છતાં ભાજપ નેતૃત્વ મૌન રહ્યું છે. તેનો રાષ્ટ્રવાદ ક્યાં ગયો?” તેમણે પૂછ્યું હતું.
બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કર્યા પછી તેમને આશ્રય આપવાના કેન્દ્રના નિર્ણયની પણ ઓવૈસીએ ટીકા કરી હતી. તેમણે પૂછ્યું હતું કે ભારતીય મુસ્લિમોને વારંવાર બાંગ્લાદેશી કેમ કહેવામાં આવે છે, જ્યારે હસીનાને ભારતમાં આશ્રય આપવામાં આવ્યો હતો. ઘણા મુસ્લિમ યુવાનો વર્ષોથી કોઈ કેસ ચલાવ્યા વિના જેલમાં બંધ છે તેવો દાવો કરીને તેમણે કહ્યું કે જામીન ન આપવા એ ભારતીય બંધારણની કલમ ૨૧નું ઉલ્લંઘન છે.



