ગરમી વધતાં ઠંડા ઠંડા નાળિયેર પાણીના ભાવમાં પણ વધારો…

મુંબઈઃ બળબળતા ઉનાળામાં ઠંડક મેળવવા માટે લોકો લીંબું પાણી, શેરડીનો રસ અને નારિયલ પાણી જેવા દેસી ઠંડા પીણાનું સેવન કરે છે. પરંતુ હવે નાળિયેરની આવક ઘટી જવાને કારણે તેની કિંમતમાં પણ 20થી 25 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. પરિણામે હવે 40થી 55 રૂપિયામાં મળતું નાળિયેર પાણી પીવા માટે હવે નાગરિકોએ 60થી 80 રૂપિયા ખર્ચ કરવા પડે છે.
નાળિયેર પાણી આરોગ્ય માટે ખૂબ જ આરોગ્યદાયી છે અને એના સેવનથી હીટ સંબંધિત સમસ્યામાં રાહત મળે છે. દર્દીઓને નાળિયેર પાણી પીવડાવવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવે છે. જેને કારણે નાળિયેર પાણીની આખું વર્ષ માંગણી રહે છે. હવામાનમાં થયેલાં ફેરફારને કારણે નાળિયેરની આવકમાં ઘટાડો થયો હોવાની માહિતી મુંબઈના એક ફેરિયા દ્વારા આપવામાં આવી હતી.
રેલવે સ્ટેશન, બજાર, ઓફિસ વિસ્તારમાં મોટા પ્રમાણમાં નાળિયેર પાણી વેચતા ફેરિયાઓ જોવા મળે છે. ઉનાળામાં લોકો ઠંડા પીણા પીવાનું વધારે પસંદ કરે છે. લીંબુ પાણી, છાશ, લસ્સી, કોકમ શરબત, ફ્રુટ જ્યુસ જેવા ઠંડા પીણા વધુ પ્રમાણમાં પીવે છે. તેમ છતાં મુંબઈગરા આરોગ્યવર્ધક પીણા તરીકે નાળિયેર પાણીને વધારે પસંદ કરે છે.
આપણ વાંચો: Weather Update : ગરમીથી મળશે રાહત, ભારે પવન સાથે આ રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાનમાં આવેલા પરિવર્તનને કારણે આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. જેને કારણે નાળિયેરની કિંમતમાં 20થી 25 રૂપિયાનો વધારો થયો છે. આંધ્ર પ્રદેશ, કેરળથી મુંબઈમાં મોટા પ્રમાણમાં નાળિયેરની આવક થાય છે. પરંતુ છેલ્લાં કેટલાક દિવસથી આંધ્રા પ્રદેશ, કેરળથી નાળિયેરની આવકમાં ઘટાડો જોવા મળ્યો હોવાની માહિતી એક નાળિયેર પાણી વેચતા ફેરિયાએ આપી હતી.
થોડાક દિવસ પહેલાં 45થી 55 રૂપિયામાં મળતા નાળિયેર પાણી માટે હવે નાગરિકોએ 60થી 80 રૂપિયા ચૂકવવા પડે છે. નાળિયેરની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. આ સિવાય 10થી 15 રૂપિયામાં મળતું નાનું નાળિયેર પણ 20થી 25 રૂપિયામાં મળે છે. જ્યારે મધ્યમ આકારનું નાળિયેર હાલમાં 30થી 35 રૂપિયાના ભાવે મળે છે.