Aryan Khan Drugs Case: 27 માર્ચ સુધી સમીર વાનખેડેને ધરપકડમાંથી રાહત, જાણો કેમ?

મુંબઈ: શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાંથી મુક્ત કરવા માટે લાંચ માગવાના આરોપસર સેન્ટ્રલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) પશ્ચિમ ક્ષેત્રના પૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડેની 27 માર્ચ સુધી અટક કરવામાં આવશે નહીં એવી માહિતી ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઇડી) દ્વારા હાઈ કોર્ટને આપવામાં આવી હતી.
દીકરાને કેસમાંથી મુક્ત કરવા માટે અભિનેતા શાહરુખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ માગી હોવાના આરોપ સામે સીબીઆઇ દ્વારા એનસીબીના પૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાના આધારે ઇડી દ્વારા પણ વાનખેડેના દરેક આર્થિક વ્યવહારની તપાસ કરી ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસને ફગાવવા માટે અને અટકથી બચવા માટે સમીર વાનખેડેએ હાઈ કોર્ટમાં અરજી દાખલ કારી હતી.
વાનખેડેની આ અરજી બાબતે શુક્રવારે અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, આ દરમિયાન ઇડીએ પ્રતિજ્ઞાપત્ર દાખલ કરવા માટે વધુ સમય માગ્યો હતો અને એટર્ની જનરલ તુષાર મહેતા પોતે આ કેસમાં દલીલ કરશે એવું પણ ઇડીએ અદાલતને જણાવ્યું હતું.
ઇડીની આ અરજીની નોંધ લઈને કોર્ટે કેસની સુનાવણી 27 માર્ચ પર મુલતવી રાખવાનો આદેશ જાહેર કર્યો હતો. ઇડી દ્વારા કોર્ટના આદેશનું પાલન કરતાં વાનખેડેની ધરપકડ કરવામાં આવશે નહીં એવું કહેવામાં આવ્યું હતું.